આદી શ્રી શંકરાચાર્ય કૃત તત્વબોધ સારાંશ :- ભાગ ૨
આદી શ્રી શંકરાચાર્ય કૃત તત્વબોધ સારાંશ :- ભાગ ૨
આપણે આદી શ્રી શંકરાચાર્ય કૃત તત્વબોધ સારાંશ :- ભાગ ૧ માં અનુબંધ ચતુષ્ઠાય, સાધન ચતુષ્ટય (ચતુર્ભુજ સાધન) ત્રણ શરીર (સ્થુલ શરીર, સૂક્ષ્મ શરીર અને કરણ શરીર) ની વિભાવના , સાત ચક્રોની, પાંચ કોષ અવસ્થા ત્રય વિષે
જાણ્યું .
આ અંકમાં આત્મા,જગત,બ્રાહમ,માયા,સર્જન,પંચ મહાભૂતનું વિકાસ,સત્વ,રજસ અને તમસ પાસાની ઉત્ક્રાંતિ,પચિકરણ સમજશક્તિના અંગો, ઈશ્વર અને અધિસ્થાન દેવતા ,જીવ અને ઈશ્વર તત્ત્વમશી
,જીવમુક્ત,અસંગા,સચિદાનંદ,કર્મા વગેરે .
આત્મા એટલે શું ?
અત્યાર સુધી શ્રી શંકરાચાર્યે તત્વોબોધમાં આત્માની સમાજ નિષેધ કે નકારાત્મક
વ્યાખ્યાના રૂપમાં આપી છે. એટલે કે આત્મા શું નથી જેમકે આત્મા ત્રણ શરીર નથી, તે પાંચ આવરણો(પંચકોષ) નથી અને ચેતનાની ત્રણ અવસ્થાઓનો સાક્ષી છે પણ તે
ત્રણ અવસ્થા નથી અને તેના વિસ્તૃત કારણ આપ્યા છે.હવે આત્મા એટલે શું તેની
હકારાત્મક વ્યાખ્યા આપી છે અને તેની વ્યાખ્યા અને ગુણધર્મ વિષે વાત કરી છે.શ્રી
શંકરાચાર્ય કહે છે કે આત્મા એટલે સચિદાનંદ, સચ્ચિદાનંદ એટલે સત,ચીત અને આનંદ.આ ત્રણ અલગ અલગ ગુણોનો સમૂહ નથી,પરંતુ એક અંતીમ વાસ્તવિકતાની એક જ વ્યાખ્યા છે.
સત :- આત્મા (સ્વ) ને સત્ તરીકે વર્ણવવામાં આવ્યો છે, જેનો અર્થ છે:
ü
તે હંમેશા
અસ્તિત્વમાં છે - ભૂતકાળ,વર્તમાન,ભવિષ્ય કાળમાં, અનંત છે
ü
તે
અપરિવર્તનશીલ છે
ü તે અવિનાશી છે
તે હંમેશા અસ્તિત્વમાં છે - ભૂતકાળ,
વર્તમાન, ભવિષ્યમાં :- તત્વબોધમાં, આત્માનો સત્ પાસું તેના સ્વભાવને શુદ્ધ, શાશ્વત અસ્તિત્વ તરીકે દર્શાવે છે. આદિ
શંકરાચાર્યના મતે, આત્મા ક્યારેય અસ્તિત્વમાં આવતો નથી કે અસ્તિત્વમાંથી બહાર
જતો નથી;
આત્મા અજન્મા, અવિનાશી છે. શરીર,
મન અને બાહ્ય પદાર્થોથી વિપરીત, જે સતત પરિવર્તન અને અંતિમ વિનાશને આધીન છે, આત્મા હંમેશા સમાન અને અપરિવર્તનશીલ (નિર્વિકાર) રહે છે. આત્મા
સ્વયં અસ્તિત્વ ધરાવતો અને સ્વતંત્ર છે, એટલે કે તે તેના અસ્તિત્વ માટે અન્ય કોઈ વસ્તુ પર આધાર રાખતો નથી. જ્યારે બાકીની દરેક વસ્તુ તેનું અસ્તિત્વ આત્મામાંથી મેળવે
છે. સતત અને નિર્વિવાદ જાગૃતિ "હું છું" આ સત્ સ્વભાવને પ્રતિબિંબિત
કરે છે,
કારણ કે તે બધા અનુભવો અને અવસ્થાઓમાં ટકી રહે છે. આમ, તત્વબોધમાં, સત્ સ્થાપિત કરે છે કે સાચું સ્વ એ સંપૂર્ણ વાસ્તવિકતા (સત્ય) છે, જ્યારે બદલાતા નામો અને સ્વરૂપોની દુનિયા ફક્ત શરતી
વાસ્તવિકતા (મિત્થ્યા) છે,
જે આ અપરિવર્તનશીલ અસ્તિત્વ પર આધારિત છે.
તત્વબોધમાં,
સત્ શબ્દને અસ્તિત્વ તરીકે સમજાવવામાં આવ્યો છે, જે મૂળભૂત વાસ્તવિકતા છે જે દરેક વસ્તુના પાયામાં રહેલી છે.સમયની
આત્મા પર કોઈ અસર હોતી નથી તે ભૂતકાળમાં હતો તે જ અત્યારે છે અને ભવિષ્યમાં હશે .
અપરીવર્તનશીલ :- આત્મા
અપરિવર્તનશીલ છે તેનો અર્થ એ છે કે તે પોતે ક્યારેય બદલાતો નથી, જ્યારે તેની સામે દેખાતી બધી વસ્તુઓ સતત બદલાય છે. આપણે
બાળપણથી અત્યાર સુધી શરીર બદલાતું જોયું, વિચાર બદલાયા,
ભાવનાઓ બદલાઈ, સ્વભાવ પણ બદલાયો—પણ એક વસ્તુ ક્યારેય બદલાઈ નથી: “હું છું” એવો અનુભવ. બાળપણમાં પણ “હું” હતો,
આજે પણ “હું” છું;
ફક્ત “હું
કોણ છું” વિશેની ઓળખ (શરીર, નામ,
ભૂમિકા) બદલાઈ છે. આ સ્થિર “હું” જ આત્મા છે. બદલાતી દરેક વસ્તુને જાણવા માટે કંઈક તો એવું
હોવું જ જોઈએ જે પોતે ન બદલાતું હોય; જેનું હંમેશા અસ્તિત્વ હોય અને જે સતત પરિવર્તનશીલ વસ્તુઓ, શરીર, નામ અને
સ્વરૂપનો સાક્ષી હોય,
તો જ આ બદલાવનો અનુભવ શક્ય છે. જીવનના બધા અનુભવો (શરીર, મન,
સમય) બદલાય છે પરંતુ જે બધા અનુભવોને જાણે છે તે આત્મા
સ્થિર રહે છે. Bhagavad
Gita કહે છે કે આત્મા ન જન્મે છે ન મરે છે એટલે તેમાં કોઈ
પરિવર્તન નથી. તેથી આત્મા અપરિવર્તનશીલ કહેવાય છે, કારણ કે તે હંમેશા એકસરખો, સાક્ષી અને
અવિનાશી રહે છે. તે દરેક ઘટનાનો સાક્ષીભાવે સ્થિર રહે છે.
આત્મા અવિનાશી છે ? આત્મા અવિનાશી છે તેનો અર્થ એ છે કે તેને ક્યારેય નાશ પામી
શકાતો નથી, કારણ કે તે કોઈ ભૌતિક વસ્તુ નથી. જે વસ્તુઓ
બને છે (જેમ કે શરીર), તે એક દિવસ નાશ પામે છે કારણ કે તે
પંચમહાભૂતોથી બનેલી છે. પરંતુ આત્મા કોઈ બનેલી વસ્તુ નથી; તે
સદા રહેનારી સત્તા છે. તેથી તેમાં “ઉત્પત્તિ” નથી, એટલે તેમાં “વિનાશ”
પણ નથી. Bhagavad Gita (2.23)માં કહેવામાં
આવ્યું છે કે આત્માને ન તો શસ્ત્ર કાપી શકે, ન અગ્નિ બાળી
શકે, ન જળ ભીંજવી શકે અને ન પવન સુકાવી શકે—આનો અર્થ એ છે કે આત્મા કોઈ પણ પ્રકૃતિના નિયમોથી પર છે, એટલે તેને નાશ કરવો અશક્ય છે.
જે બદલાય છે,જેના પર સમયની અસર થાય છે તે નાશ અવશ્ય પામે
છે પરંતુ આત્મા અપરિવર્તનશીલ છે, તેથી તેમાં નાશનો પ્રશ્ન જ
ઊભો થતો નથી. શરીર મરે છે, મનની સ્થિતિ બદલાય છે, પરંતુ જે “હું છું” એવો
સાક્ષી છે તે ક્યારેય નષ્ટ થતો નથી. ઊંઘમાં પણ શરીર અને મન શાંત થઈ જાય છે,
છતાં જાગ્યા પછી આપણે કહીએ છીએ “હું સારું
ઊંઘ્યો હતો” એ બતાવે છે કે આત્મા
ત્યાં પણ હતો. તેથી આત્મા સમય, સ્થિતિ કે પરિસ્થિતિથી પર છે.
Katha Upanishad પણ કહે છે કે આત્મા ના તો જન્મે છે ના મરે
છે. તેથી નિષ્કર્ષ એ થાય છે કે આત્મા અવિનાશી છે, કારણ કે તે
ક્યારેય ઉત્પન્ન થયો નથી અને ક્યારેય નષ્ટ થવાનો નથી તે સદા અસ્તિત્વમાં રહેનાર
સત્ય (Sat) છે.
સમયની પેલે પાર (Tri-temporal
Reality)
આ જગતમાં બધી વસ્તુઓ જન્મે છે અને નાશ પામે છે.
·
શરીર: જન્મે
છે,
વૃદ્ધ થાય છે અને અંતે નાશ પામે છે.
·
વિચારો: ક્ષણે
ક્ષણે બદલાય છે.
·
સૃષ્ટિ: હજારો
વર્ષો પછી બદલાઈ જાય છે.
પરંતુ,
આ બધું જ જે પાયા પર ટકેલું છે, તે અસ્તિત્વ (Existence) કાયમી છે. જે તત્વ બાલ્યાવસ્થામાં પણ હતું, યુવાનીમાં પણ છે અને મૃત્યુ પછી પણ જે ચૈતન્યનો સ્ત્રોત છે, તે 'સત'
છે.
ચીત :- ચિત્તનું સ્વરૂપ અને તેની ગહન વ્યાખ્યા
“ચિત્ (Chit)” નો અર્થ છે ચેતના કે ચૈતન્ય (Consciousness)
એવી શક્તિ જેના કારણે આપણે જાણીએ છીએ, અનુભવીએ
છીએ અને વિચારી શકીએ છીએ. સરળ શબ્દોમાં કહીએ તો જે “જાણે છે”
તે ચિત્ છે. જ્યારે તમે કંઈ જુઓ છો, સાંભળો
છો, વિચારો છો અથવા અનુભવો છો તે બધું શક્ય બને છે કારણ કે
અંદર કોઈ “જાગૃતતા” છે. આ જ જાગૃતતા એટલે ચિત્. આ ચિત્ કોઈ વિચાર નથી, કોઈ
ભાવના નથી, પણ તે તો વિચાર અને ભાવનાને પણ જાણનાર સાક્ષી છે.
“કેવી રીતે છે ?” સમજીએ: ચિત્ શરીરમાં કે મગજમાં બંધાયેલું નથી પણ તે શરીર અને મનને
પ્રકાશિત(ચૈતન્યતા) કરે છે. જેમ સૂર્ય પોતે પ્રકાશિત રહીને બધું દેખાડે છે,તેમ ચિત્ પોતે જાગૃત રહીને મન અને ઇન્દ્રિયોને કાર્યશીલ બનાવે છે. ભારતીય
મનીષીઓએ મનુષ્યના અંતઃકરણના ચાર ભાગ ગણાવ્યા છે : મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.(વિસ્તારથી ભાગ ૧ માં આપેયલ છે). જ્યારે આપણે સામાન્ય ભાષામાં 'ચીત' કહીએ છીએ, ત્યારે તેનો
અર્થ માત્ર મન નથી થતો,પરંતુ તે ચેતનાનો એવો વિસ્તાર છે જ્યાં આપણા સંસ્કારો, સ્મૃતિઓ અને અનુભવોનો સંગ્રહ થાય છે. યોગશાસ્ત્રમાં મહર્ષિ પતંજલિએ 'યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ' કહીને ચિત્તને કેન્દ્રમાં રાખ્યું છે. અહીં ચિત્તનો અર્થ એક
અરીસા જેવો છે;
જો અરીસો સાફ હોય તો તેમાં પરમાત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ
દેખાય,
પણ જો ચિત્ત રૂપી અરીસા પર વાસના, ક્રોધ કે મોહની ધૂળ જામી જાય, તો સત્ય દેખાતું બંધ થઈ જાય છે. મનોવિજ્ઞાન અને યોગશાસ્ત્ર મુજબ ચિત્તની પાંચ મુખ્ય અવસ્થાઓ
હોય છે,
જે મનુષ્યના વ્યક્તિત્વનું નિર્ધારણ કરે છે:
ü ક્ષિપ્ત (Distracted): આ અવસ્થામાં ચિત્ત અત્યંત ચંચળ હોય છે. તે રજોગુણથી પ્રભાવિત હોય છે અને
સતત એક વિષય પરથી બીજા વિષય પર દોડ્યા કરે છે. સંસારી સુખોમાં રચ્યાપચ્યા
રહેતા લોકોનું ચિત્ત મોટેભાગે ક્ષિપ્ત
હોય.
ü મૂઢ (Dull): જ્યારે
ચિત્ત તમોગુણથી ઘેરાયેલું હોય, ત્યારે આળસ, નિદ્રા અને ભ્રમ પેદા થાય છે. વ્યક્તિ શું સાચું છે અને શું ખોટું,
તેનો નિર્ણય કરી શકતી નથી. આને મૂઢ અવસ્થા કહે છે.
ü વિક્ષિપ્ત (Partially
Distracted): આ અવસ્થામાં ચિત્ત ક્યારેક સ્થિર થાય છે અને ક્યારેક
ભટકે છે. સત્વગુણનો ઉદય થવાથી વ્યક્તિ ભક્તિ કે સારા કામો તરફ વળે છે, પરંતુ જૂના સંસ્કારો તેને ફરી પાછા ખેંચે છે.
ü એકાગ્ર (Concentrated): અહીં ચિત્ત એક જ વિષય કે ધ્યેય પર સ્થિર થાય છે. આ અવસ્થામાં જ્ઞાનનો
પ્રકાશ થાય છે અને વ્યક્તિ પોતાની આંતરિક શક્તિઓને ઓળખી શકે છે.
ü નિરુદ્ધ (Restrained): આ સર્વોચ્ચ અવસ્થા છે, જ્યાં ચિત્તની તમામ વૃત્તિઓ
શાંત થઈ જાય છે. અહીં વ્યક્તિ સમાધિનો અનુભવ કરે છે અને પોતે શુદ્ધ 'ચૈતન્ય' હોવાનો અહેસાસ કરે છે.
સચ્ચિદાનંદમાં 'ચિત્ત'નું મહત્ત્વ:-
વેદાંત દર્શનમાં ઈશ્વરને ‘સચ્ચિદાનંદ' કહેવામાં આવ્યા છે. જેમાં ત્રણ તત્વો છે: સત (જે
ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવે છે), ચિત (જે સ્વયં પ્રકાશિત ચેતના કે ચૈતન્ય છે) અને આનંદ
(જે દુઃખથી પર છે સાત્વિક આનંદ કે પરમાનંદ). અહીં 'ચિત' નો અર્થ એવો છે કે પરમાત્મા જડ નથી, પણ તે જ્ઞાનસ્વરૂપ છે. આપણી અંદર રહેલી જાણવાની શક્તિ, અનુભવવાની શક્તિ અને જોવાની શક્તિ એ જ 'ચીત' છે. જ્યારે કોઈ વ્યક્તિ કહે કે "મારું ચિત્ત પ્રસન્ન છે", ત્યારે તેનો અર્થ એ છે કે તેની ચેતના નિર્મળ થઈ છે.
વ્યવહારિક જીવનમાં ચિત્તની શુદ્ધિ:-
આપણા રોજબરોજના જીવનમાં પણ 'ચીત'નું ખૂબ મહત્વ છે. વ્યવસાય હોય, અભ્યાસ હોય કે આર્થિક આયોજન, જો ચિત્ત સ્થિર ન હોય તો લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે. 'એકાગ્રચિત્ત' થઈને કરેલું કાર્ય હંમેશા સફળતા અપાવે છે. ચિત્તને શુદ્ધ કરવા માટે પ્રાણાયામ ધ્યાન
અને સકારાત્મક ચિંતન અનિવાર્ય છે. જેટલું ચિત્ત શાંત, તેટલી જ જીવનની સમજ સ્પષ્ટ બને છે.
આનંદ :-
૧. આનંદની અતર્ક્યતા (The
Causeless Joy):- સામાન્ય રીતે આપણે જેને આનંદ કહીએ છીએ તે ખરેખર 'પ્રતિબિંબિત આનંદ' કે ‘સ્થૂળ આનંદ’ છે. જેમ અરીસામાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય, તેમ જ્યારે મનની કોઈ ઈચ્છા પૂરી થાય ત્યારે ક્ષણવાર માટે મન
સ્થિર થાય છે, એ સ્થિર ક્ષણમાં આત્માનો અસલી આનંદ મન પર
ઝબકી જાય છે એટલે કે આપણને સુખનો અનુભવ થાય છે.આનંદ વસ્તુમાં નથી, પણ વસ્તુ મળતા મન જે ક્ષણ માટે 'નિર્વિષય'
(વિષય વગરનું) બને છે, તે સ્થિતિમાં આનંદ પ્રગટે છે. ગહન સત્ય એ છે કે આનંદ માટે કોઈ કારણની
જરૂર નથી;
તે આપણો નૈષર્ગિક સ્વભાવ છે.
આનંદની અનુભૂતિના ત્રણ પ્રકાર (વૃત્તિઓ):-
જ્યારે આપણે આનંદની નજીક હોઈએ છીએ ત્યારે મન ત્રણ રીતે વર્તે છે:
Ø
પ્રિય (Priya): ગમતી વસ્તુ જોવાથી થતો હર્ષ.
Ø
મોદ (Moda): તે વસ્તુ પ્રાપ્ત કરવાથી થતો વધુ ઊંડો હર્ષ.
Ø
પ્રમોદ (Pramoda): તે વસ્તુને ભોગવવાથી કે તેના અનુભવથી થતી ચરમસીમા. પરંતુ આ
ત્રણેય વૃત્તિઓ શાંત થાય ત્યારે જે 'કેવળ આનંદ' વધે છે, તે જ પરમાત્મા
છે.
ગહન રીતે જોઈએ તો,
આનંદ એ શોધવાની વસ્તુ નથી, પણ જે નડતરરૂપ છે (અજ્ઞાન,અહંકાર,આસક્તિ) તેને દૂર કરવાની પ્રક્રિયા છે. જ્યારે ચિત્ત
સંપૂર્ણપણે શુદ્ધ અને સ્થિર થાય છે, ત્યારે આનંદ આપોઆપ પ્રગટ થાય છે—જેમ વાદળો હટતા સૂર્ય દેખાય છે.
આત્માને 'સચ્ચિદાનંદ' (સત-ચિત્-આનંદ) કહેવામાં આવે છે, કારણ કે તે કોઈ ત્રણ અલગ ગુણો કે લાક્ષણિકતાઓ નથી; પરંતુ એક જ પરમ તત્વને સમજવા માટેના ત્રણ પાસાં છે
“Sat” દર્શાવે છે કે આત્મા સદા અસ્તિત્વમાં છે તે ક્યારેય નાશ પામતો નથી; “Chit” દર્શાવે છે કે આત્મા ચેતન કે ચૈતન્ય છે તે જ બધાં અનુભવોને
જાણે છે;
અને આનંદ દર્શાવે છે કે આત્મા પૂર્ણ અને નિરપેક્ષ આનંદનું
સ્વરૂપ છે તેમાં કોઈ ભાવ-અભાવ નથી, એટલે દુઃખનો પ્રશ્ન નથી.
આ ત્રણેય એકબીજાથી અલગ નથી, કારણ કે જ્યાં
અસ્તિત્વ છે ત્યાં ચેતના કે ચૈતન્ય હોવી જ પડે, અને જ્યાં પૂર્ણ ચેતના કે ચૈતન્ય અસ્તિત્વ છે ત્યાં સ્વાભાવિક રીતે આનંદ હોય
છે. એટલે 'સચ્ચિદાનંદ' (સત-ચિત્-આનંદ) કોઈ સિદ્ધાંત નથી, પરંતુ આપણું સાચું સ્વરૂપ છે, જેને આપણે
અજ્ઞાનના કારણે શરીર અને મન સાથે ગોટાળી નાખીએ છીએ અને સ્થૂળ શરીરને જ “હું” જ માની
લઈ છીએ.
જગત :-
સૃષ્ટિનું મૂળ કારણ એકમાત્ર બ્રહ્મ (અંતીમ વાસ્તવિક્તા) છે, અને તેની અચિન્ત્ય શક્તિ માયા (અવ્યક્ત) દ્વારા જગત પ્રગટ થાય છે; આ માયા ત્રણ ગુણો (સત્વ, રજસ, તમસ)થી બનેલી છે અને માયા પોતે સ્વતંત્ર સત્ય નથી,પરંતુ બ્રહ્મ(બ્રહ્મ) પર આધારિત છે. સૃષ્ટિની શરૂઆતમાં માયાના તામસિક અંશમાંથી પહેલા પંચ તન્માત્રા (સૂક્ષ્મ તત્વો) પ્રગટ થાય છે : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધું હજી સૂક્ષ્મ સ્તરે હોય છે (દેખાતું નથી). પછી આ જ તન્માત્રાના સાત્વિક અંશમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો (શ્રવણ(કાન), સ્પર્શન(ત્વચા), દર્શન(આંખ), રસન(જીભ), ઘ્રાણ(નાક)) ઉત્પન્ન થાય છે, અને એના સમૂહ સાત્વિક અંશમાંથી ચાર અંતઃકરણ (મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત) ઉત્પન્ન થાય છે. મન સંકલ્પ-વિકલ્પ કરે છે, બુદ્ધિ નિર્ણય લે છે, અહંકાર “હું” ભાવ આપે છે અને ચિત્ત સ્મૃતિ રાખે છે. તન્માત્રાની રાજસિક અંશમાંથી પાંચ કર્મેન્દ્રિય (વાણી(મુખ), હાથ, પગ, ઉત્સર્જન(ગુદા), પ્રજનન(જનેન્દ્રિય) ) તથા તેમની ક્રિયાશક્તિ અને સાથે પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન) ઉત્પન્ન થાય છે જે શરીરમાં જીવનક્રિયાઓ ચલાવે છે. ત્યારબાદ તન્માત્રાના તામસિક અંશમાંથી “પંચીકરણ” પ્રક્રિયા થાય છે, જેમાં દરેક તત્વ બીજા તત્વો સાથે મિશ્રિત થઈને પાંચ સ્થૂલ મહાભૂત (આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી) બને છે જેમાંથી આખું સ્થૂલ(જે દેખાય,અનુભવાય છે તે) જગત (શરીર, પદાર્થ, પ્રકૃતિ એટલે કે જીવ –નિર્જીવ સૃષ્ટીનું સર્જન થાય છે ) રચાય છે. આ રીતે ગણતરી કરીએ તો ચોવીશ તત્વો થાય છે: પાંચ તન્માત્રા + પંચ મહાભૂત + પાંચ જ્ઞાનઇન્દ્રિયો + પાંચ કર્મઇન્દ્રિયો +ચાર અંત:કારણ( મન,બુદ્ધિ,અહંકાર,ચિત્ત) આમ કુલ ચોવીશ તત્ત્વો. મહત્વની વાત એ છે કે આ બધાં તત્વો “દૃશ્ય” છે અર્થાત્ જાણવામાં આવતી વસ્તુઓ છે અને તે બદલાય છે એટલે કે પરીવર્તનશીલ છે જ્યારે આત્મા(Atman) એ બધાનો “દ્રષ્ટા” કે સાક્ષી છે, અપરિવર્તનશીલ, સચ્ચિદાનંદ સ્વરૂપ, જે પોતે કોઈ તત્વમાં આવતો નથી, પણ બધાં તત્વોને પ્રકાશિત કરે છે.
માયા :-
“માયા” એ બ્રહ્મની અચિન્ત્ય (inexplicable)
શક્તિ છે, જેના દ્વારા આ સમગ્ર જગત પ્રગટ થાય છે. માયા સ્વતંત્ર સત્ય
નથી, પરંતુ બ્રહ્મ પર આધારિત છે એટલે તેને “અનિર્વચનીય”
કહેવાય છે, કારણ કે તેને સંપૂર્ણ રીતે “સત્ય” પણ નથી કહી શકાતું (કારણ કે તે બદલાય છે) અને “અસત્ય” પણ નથી કહી શકાતું
(કારણ કે તેનો અનુભવ થાય છે).
માયા બે મુખ્ય શક્તિઓ દ્વારા કાર્ય
કરે છે:
આવરણ શક્તિ (Avarana), જે બ્રહ્મના સાચા સ્વરૂપને ઢાંકી દે છે, અને વિક્ષેપ શક્તિ (Vikshepa), જે તેના ઉપર વિવિધ નામ-રૂપ (જગત)ને પ્રક્ષેપિત (પ્રોજેક્ટ)
કરે છે. આ માયા ત્રણ ગુણો સત્વ, રજસ,
તમસથી બનેલી છે, અને એ જ ગુણો દ્વારા આખું જગત, શરીર અને મનનું પ્રદર્શન થાય છે. સરળ રીતે કહીએ તો, માયા એ એવી શક્તિ છે જે એક અદ્વૈત બ્રહ્મને બહુરૂપ
જગત તરીકે દેખાડે છે. અંધારામાં દોરીને સાપ તરીકે ભૂલથી જોવું; દોરી સત્ય છે, સાપ દેખાય છે પણ સત્ય નથી. તેથી માયા નથી સંપૂર્ણ સત્ય છે નથી સંપૂર્ણ અસત્ય, પરંતુ નિર્ભર અને ભ્રમરૂપ પ્રતીતિ છે, જે જ્ઞાનથી નષ્ટ થઈ જાય છે.માયા એ બ્રહ્મની અદભૂત, અચિન્ત્ય અને અનિર્વચનીય શક્તિ છે, જેના કારણે એક અદ્વૈત, અપરિવર્તનશીલ બ્રહ્મ “નામ-રૂપવાળા અનેક જગત” તરીકે દેખાય છે. માયાને “અનાદિ”
(beginning-less) કહેવામાં આવે છે એટલે કે તેની શરૂઆત નથી,પરંતુ “અનંત” નથી,
કારણ કે જ્ઞાનથી તેનો અંત થાય છે. માયાની સૌથી મોટી વિશેષતા
એ છે કે તે સત્ય અને અસત્ય વચ્ચેની સ્થિતિ ધરાવે છે : જો તે સંપૂર્ણ સત્ય હોત, તો ક્યારેય નષ્ટ ન થાત, અને જો સંપૂર્ણ અસત્ય હોત, તો દેખાત જ
નહીં;
પરંતુ તે અનુભવમાં આવે છે અને જ્ઞાનથી દૂર થાય છે એટલે તેને
“મિથ્યા” કહેવામાં આવે છે.માયાની કાર્યપદ્ધતિને વધુ ઊંડે સમજીએ તો
તેમાં બે મુખ્ય શક્તિઓ છે: આવરણ શક્તિ, જે આપણને આપણા સાચા સ્વરૂપ સચ્ચિદાનંદને ઓળખતા અટકાવે છે, અને વિક્ષેપ શક્તિ, જે તેના ઉપર જગતનો પ્રોજેક્શન કરે છે જેમ કે અંધકારમાં દોરીને સાપ દેખાય. અહીં
દોરી = બ્રહ્મ (સત્ય),
અને સાપ = જગત (માયા દ્વારા દેખાતું). આ ઉપરાંત માયા ત્રણ
ગુણો સત્વ (પ્રકાશ,
જ્ઞાન), રજસ (ક્રિયા, ચંચળતા), તમસ (અજ્ઞાન, જડતા)થી બનેલી છે, અને આ ત્રણ ગુણો જ આખા જગતની વિવિધતા (diversity) માટે જવાબદાર છે.એક વધુ સૂક્ષ્મ મુદ્દો: માયા “કોઈ પદાર્થ”
નથી,
પણ એક “સિદ્ધાંત”
(principle) છે તેને સીધું જોઈ શકાય નહીં, પરંતુ તેના પરિણામો (જગત, શરીર, મન) દ્વારા તેને સમજવામાં આવે છે. વેદાંત એ પણ કહે છે કે
માયા વ્યક્તિગત સ્તરે “અવિદ્યા” તરીકે કામ કરે
છે એટલે કે દરેક જીવ પોતાને શરીર-મન માને છે, જ્યારે વાસ્તવમાં તે બ્રહ્મ છે. એટલે જ્ઞાન (આત્મજ્ઞાન) મળતાં માયાનો આવરણ દૂર
થાય છે અને સાક્ષાત્કાર થાય છે કે “હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું.”અંતમાં, માયાનો સાર એવો છે: તે બ્રહ્મને બદલતી નથી, પરંતુ માત્ર તેની ઉપર ભ્રમ ઉત્પન્ન કરે છે જેમ સૂર્યને વાદળ
ઢાંકી દે,
તો સૂર્ય બદલાતો નથી, ફક્ત દેખાતો નથી. તેથી માયા એ બ્રહ્મની એવી શક્તિ છે જે અજ્ઞાનમાં જગતનું
પ્રદર્શન કરે છે અને જ્ઞાનથી અદૃશ્ય થઈ જાય છે.
'ઈશ્વર'
બ્રહ્મ એ પરમ સત્ય છે,
જે નિર્ગુણ અને નિરાકાર છે એટલે કે તેમાં કોઈ ગુણો કે આકારો
નથી. જ્યારે આ નિર્વિકલ્પ અને શુદ્ધ ચૈતન્ય (બ્રહ્મ) માયા નામની શક્તિના સંપર્કમાં
આવે છે,ત્યારે તે 'સગુણ બ્રહ્મ'
કે 'ઈશ્વર' તરીકે ઓળખાય છે.
ઈશ્વર એ બ્રહ્મનું એવું સ્વરૂપ છે જે જગતનું સર્જન,પાલન અને સંહાર કરે છે.માયા ઈશ્વરની જ એક શક્તિ છે; ઈશ્વર માયાના સ્વામી છે,જ્યારે જીવાત્મા માયાના પ્રભાવ હેઠળ છે. આમ, દાર્શનિક દ્રષ્ટિએ ઈશ્વર એ બ્રહ્મ
જ છે, પણ જેમને આપણે ભક્તિ અને ઉપાસના દ્વારા જાણી શકીએ છીએ કારણ કે તેમણે માયાના માધ્યમથી
જગતના નિયંતાનું રૂપ ધારણ કર્યું છે. જ્યારે જ્ઞાન દ્વારા માયાનું આવરણ દૂર થાય છે, ત્યારે જીવને સમજાય છે કે અંતે તો ઈશ્વર અને બ્રહ્મ એક જ છે.
જ્યારે વ્યક્તિગત આત્મા અથવા ચેતના પોતાનું સાચું
સ્વરૂપ ભૂલીને વિવિધ શરીરો (સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર) અને કોષો
(અન્નમય, પ્રાણમય વગેરે પંચકોષ) સાથે તાદાત્મ્ય સાધે છે (એટલે કે તેને પોતાનું માની લે
છે) ત્યારે તેને 'જીવ' કહેવામાં આવે છે. આ જીવ 'માયા'ના પ્રભાવ હેઠળ છે અને માયાના બંધનોમાં ફસાયેલો રહે છે.
જીવ:
જીવ: જે ચેતના અજ્ઞાનને કારણે દેહ અને મનને જ 'હું' માની લે છે, તે જીવ છે. તે માયાના ગુણો (સત્વ, રજ અને તમ) દ્વારા નિયંત્રિત થાય
છે.
માયા: માયા એ બ્રહ્મની શક્તિ છે, જે સત્યને ઢાંકી દે છે અને જગતનો ભ્રમ ઉત્પન્ન કરે છે. જીવ માયાને આધીન છે.
ઈશ્વર: ઈશ્વર એ માયાના સ્વામી છે. માયા ઈશ્વરને આધીન
છે, એટલે કે ઈશ્વર માયાનો ઉપયોગ કરીને સૃષ્ટિનું સંચાલન કરે છે, પરંતુ તેઓ માયાથી બંધાતા નથી.
ટુંકમાં કહીએ તો: ઈશ્વર માયાના સ્વામી છે, અને જીવ માયાનો દાસ છે.
બ્રહ્મ :-
બ્રહ્મ એ અંતિમ, અદ્વૈત સર્વોચ્ચ વાસ્તવિકતા છે - સર્વોચ્ચ સત્ય જે બધી
મર્યાદાઓથી આગળ અસ્તિત્વ ધરાવે છે. "સત્યં
જ્ઞાનમનન્તં બ્રહ્મ" નો અર્થ છે
કે બ્રહ્મ ત્રિકાલાબાધિત સત્ય છે, તે સ્વયં પ્રકાશિત ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે, અને તે દેશ, કાળ કે વસ્તુના બંધનોથી મુક્ત એટલે કે અનંત છે.
બ્રહ્મ (સંસ્કૃત: ब्रह्मन्) શબ્દ ભારતીય ફિલસૂફીમાં એક કેન્દ્રિય સ્થાન ધરાવે છે, જે અંતિમ, સર્વવ્યાપી,અનંત વાસ્તવિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે વ્યુત્પત્તિશાસ્ત્રની
દ્રષ્ટિએ સંસ્કૃત શબ્દ √bṛh પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ "વૃદ્ધિ થવી," "વિસ્તૃત
થવું," અથવા "વધવું" થાય છે. આ
ભાષાકીય ઉત્પત્તિને કારણે, બ્રહ્મને વારંવાર "વિશાળતા"
તરીકે કલ્પના કરવામાં આવે છે - એક અનંત, નિરાકાર
અને સતત વિસ્તરતી વાસ્તવિકતા જે બધા અસ્તિત્વના પાયા
તરીકે સેવા આપે છે, જેમાંથી બ્રહ્માંડ ઉદ્ભવે છે.
· બ્રહ્મા (પુરૂષવાચી) હિન્દુ ત્રિપુટી(બ્રહ્મા,વિષ્ણુ,મહેશ)માં સર્જન માટે જવાબદાર ચોક્કસ દેવતા છે.
· બ્રહ્મ(પુરુષ) એ
વિદ્વાન અને પુરોહિત(બ્રાહ્મણ) વર્ગના સભ્યનો ઉલ્લેખ કરે છે,
· બ્રહ્મ (ન્યુટર)
વૈદિક ગદ્ય ગ્રંથોના ચોક્કસ વર્ગનું વર્ણન કરે છે. આ ભેદો ચોક્કસ આધ્યાત્મિક અથવા સમાજશાસ્ત્રીય
સંદર્ભને સમજવા માટે મહત્વપૂર્ણ છે જેમાં આ શબ્દનો ઉપયોગ થાય છે.
વૈદિક સમયગાળામાં *બ્રહ્મ* નો અર્થ મુખ્યત્વે પવિત્ર મંત્રો, ધ્વનિ અને શબ્દની દૈવી શક્તિ સાથે જોડાયેલો હતો, જે યજ્ઞ દ્વારા માનવ અને દેવતાઓ વચ્ચે સેતુ તરીકે કાર્ય
કરતો હતો. પરંતુ ઉપનિષદિક સમયમાં વિચારધારા વધુ આંતરિક અને તત્ત્વચિંતન તરફ વળી, જ્યાં બ્રહ્મને બ્રહ્માંડના એકમાત્ર, સર્વવ્યાપક અને અવિનાશી તત્વ તરીકે સમજવામાં આવ્યો. આ સાથે
જ માનવના સાચા સ્વરૂપ આત્મા અને આ પરમ સત્ય બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ
નથી એવી મહત્ત્વપૂર્ણ સમજ ઊભી થઈ, જે Chandogya
Upanishad ના તત્ ત્વમ્ અસિ મહાવાક્યમાં વ્યક્ત થાય છે. આ પરિવર્તને
આગળ જઈને Advaita
Vedanta ના મૂળભૂત સિદ્ધાંતને મજબૂત બનાવ્યો, જેમાં સીમિત જીવ અને અનંત બ્રહ્મ વચ્ચેની એકતા પર ભાર
મૂકવામાં આવે છે.
“સત્યમ્ જ્ઞાનમ્ અનંતમ્ બ્રહ્મ” જે તૈત્તિરીય ઉપનિષદમાં આવે છે, તે બ્રહ્મના સ્વરૂપને અત્યંત સંક્ષિપ્ત પરંતુ ઊંડાણપૂર્વક રજૂ કરે છે.
અહીં “સત્યમ્” નો અર્થ એ છે કે જે
ત્રણે કાળમાં ક્યારેય બદલાતું નથી અને જેનું અસ્તિત્વ સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
જગતમાં જે કંઈ દેખાય છે તે સતત પરિવર્તનશીલ છે, તેથી તે
સત્યના દૃષ્ટિકોણથી અંતિમ નથી; પરંતુ બ્રહ્મ એ અચલ અને
નિરંતર સત્ય છે, જે બધાની પાછળનું મૂળ તત્વ છે.
“જ્ઞાનમ્” દ્વારા બ્રહ્મને ચેતનાના સ્વરૂપ તરીકે
સમજાવવામાં આવે છે. અહીં જ્ઞાનનો અર્થ માહિતી અથવા જાણવાની ક્રિયા નથી, પરંતુ સ્વયં પ્રકાશમાન ચેતના કે ચૈતન્ય
છે, જે તમામ અનુભવ અને જ્ઞાનને શક્ય બનાવે છે. મન,
ઇન્દ્રિયો અને બુદ્ધિ જે કંઈ અનુભવે છે, તે
બધું આ ચેતનાથી જ પ્રકાશિત થાય છે. તેથી બ્રહ્મ કોઈ “જ્ઞાતા” (knower) નથી, પરંતુ
જ્ઞાનનું મૂળ સ્વરૂપ છે, જે દરેક અનુભૂતિનો આધાર છે.
“અનંતમ્” નો અર્થ છે મર્યાદા વિનાનું, એટલે કે બ્રહ્મને દેશ (સ્થાન), કાળ (સમય) અને વસ্তু (પદાર્થ)ની કોઈ
મર્યાદા નથી. તે સર્વવ્યાપક છે, સદાકાળ છે
અને તેના સિવાય બીજું કોઈ સ્વતંત્ર તત્વ નથી. આ રીતે “સત્યમ્
જ્ઞાનમ્ અનંતમ્” ત્રણેય શબ્દો મળીને બ્રહ્મને અચલ સત્ય,
શુદ્ધ ચેતના અને સંપૂર્ણ અનંત તરીકે
વ્યાખ્યાયિત કરે છે, જે અદ્વેત વેદાંતના દૃષ્ટિકોણથી અંતિમ
વાસ્તવિકતા અને વ્યક્તિના આત્મસ્વરૂપ સાથે એકરૂપ છે.
સર્જન :-
સૃષ્ટિના સર્જનને સમજવા માટે બે મુખ્ય કારણોનો આધાર લેવામાં આવે છે: નિમિત્ત
કારણ અને ઉપાદાન કારણ. આ બંને કારણો
વગર કોઈ પણ કાર્ય કે વસ્તુનું સર્જન શક્ય નથી. નિમિત્ત કારણ એ બુદ્ધિશાળી
કર્તા છે જે સર્જન કરવાની શક્તિ અને જ્ઞાન ધરાવે છે, જ્યારે ઉપાદાન કારણએ કાચી સામગ્રી છે જેમાંથી તે વસ્તુ બને છે. આ
પ્રક્રિયાને સમજવા માટે ઘણીવાર ઘડા અને કુંભારનું ઉદાહરણ આપવામાં આવે છે, જ્યાં કુંભાર નિમિત્ત છે અને માટી ઉપાદાન છે.
સૃષ્ટિના સંદર્ભમાં,
ઈશ્વરએ આ બ્રહ્માંડના 'નિમિત્ત કારણ' છે. ઈશ્વર પાસે અનંત જ્ઞાન અને સંકલ્પ શક્તિ છે, જેના દ્વારા તેઓ આટલી વિશાળ અને વ્યવસ્થિત સૃષ્ટિનું સંચાલન
કરે છે. તેઓ સૃષ્ટિના સર્જક, પાલક અને
સંહારક છે. ઈશ્વર આ જગતની રચના માટેનું ચૈતન્ય અને બુદ્ધિશાળી કારણ પૂરું પાડે છે.
બીજી તરફ,
માયાએ આ સૃષ્ટિનું
'ઉપાદાન કારણ' છે. માયા એ શક્તિ છે જેમાંથી પંચમહાભૂતો, ગ્રહો, તારાઓ અને
પદાર્થોનું સર્જન થાય છે. માયા પોતે જડ છે અને તે ઈશ્વરના અંકુશ હેઠળ રહીને આકાર
ધારણ કરે છે. જે રીતે માટીમાંથી ઘડો બને છે અને અંતે તે માટીમાં જ મળી જાય છે, તેમ આ આખું બ્રહ્માંડ માયામાંથી પ્રગટ થાય છે અને પ્રલયકાળે
માયામાં જ લય પામે છે. આમ,
ઈશ્વર અને માયાના સંયોગથી આ જગતનો વ્યવહાર ચાલે છે.
સૃષ્ટિનું ક્રમિક પ્રગટીકરણ (Order
of Creation)
સૃષ્ટિનું સર્જન સૂક્ષ્મમાંથી સ્થૂળ તરફ થાય છે. તત્વબોધમાં ૨૪ તત્વોની
ઉત્પત્તિ નીચેના ક્રમમાં સમજાવવામાં આવી છે :
પંચ મહાભૂતો (પાંચ સૂક્ષ્મ તત્વો): સૌ પ્રથમ માયામાંથી આકાશ (Space) ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આકાશમાંથી વાયુ (Air), વાયુમાંથી અગ્નિ (Fire), અગ્નિમાંથી જળ (Water)
અને જળમાંથી પૃથ્વી (Earth) ઉત્પન્ન થાય છે. આ પાંચ તત્વો સૌથી સૂક્ષ્મ અવસ્થામાં હોય છે, જેને 'તન્માત્રા' કહેવાય છે.
જ્ઞાન અને ક્રિયાના સાધનો (Evolution
of Organs)
જ્યારે આ પાંચ તત્વોનો 'સત્વ' (Sattva) અંશ ભેગો થાય છે, ત્યારે તેમાંથી માનવ શરીરના જ્ઞાન મેળવવાના સાધનો ઉત્પન્ન થાય છે:
·
અંતઃકરણ: મન (સંકલ્પ-વિકલ્પ), બુદ્ધિ (નિશ્ચય),
અહંકાર (હું-પણાની ભાવના) અને ચિત્ત (સ્મૃતિ).
·
જ્ઞાનેન્દ્રિયો: કાન (શ્રવણ), ત્વચા (સ્પર્શ),
આંખ (દ્રશ્ય), જીભ (સ્વાદ) અને નાક (ગંધ).
ત્યારબાદ,
પાંચેય તત્વોના 'રજોગુણ'
(Rajas) અંશમાંથી કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે:
·
વાણી (બોલવું), હાથ (લેવું/આપવું), પગ (ચાલવું),
ઉપસ્થ (પ્રજનન) અને ગુદા (વિસર્જન).
પંચીકરણ (Pañcīkaraṇa -
Grossification)
સૂક્ષ્મ તત્વોમાંથી આપણી આસપાસની સ્થૂળ દુનિયા બનાવવા માટે એક વિશેષ પ્રક્રિયા
થાય છે,
જેને 'પંચીકરણ' કહેવાય છે. આમાં પાંચેય સૂક્ષ્મ તત્વોને એકબીજા સાથે મિશ્ર
કરીને સ્થૂળ સ્વરૂપ આપવામાં આવે છે, જેથી પૃથ્વી પૃથ્વી જેવી ઘન અને નક્કર જણાય છે.
પંચ મહાભૂતનું સર્જન :-
તત્વબોધમાં પંચમહાભૂતોની ઉત્પત્તિની પ્રક્રિયાને અત્યંત વૈજ્ઞાનિક અને તાર્કિક
રીતે સમજાવવામાં આવી છે. આ પ્રક્રિયા 'સૂક્ષ્મ'
થી 'સ્થૂળ' તરફ આગળ વધે છે, જેને વેદાંતમાં 'સૃષ્ટિ ક્રમ'તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્ક્રાંતિ માયાના 'તમોગુણ'
માંથી ઉદભવે છે, જેનું વર્ણન નીચે મુજબ છે.
સર્જનનો પ્રથમ તબક્કો આકાશ (Space/Ether) છે. તે પંચમહાભૂતોમાં સૌથી સૂક્ષ્મ અને પ્રથમ ઉત્પન્ન થયેલું તત્વ છે. આકાશમાં
માત્ર એક જ ગુણ છે 'શબ્દ' (Sound). તે સર્વવ્યાપી છે અને તમામ વસ્તુઓને રહેવા માટે સ્થાન પૂરું
પાડે છે. આકાશમાંથી વાયુ (Air)ની ઉત્પત્તિ થાય છે. વાયુમાં પોતાનો 'સ્પર્શ'
(Touch) ગુણ છે અને તે સાથે આકાશનો 'શબ્દ'
ગુણ પણ તેમાં રહેલો છે. આમ, વાયુ એ આકાશ કરતાં થોડું વધુ સ્થૂળ અને ગતિશીલ તત્વ છે.
વાયુમાંથી અગ્નિ (Fire)નું
સર્જન થાય છે. અગ્નિમાં પોતાનો 'રૂપ'
(Form/Color) ગુણ છે, સાથે જ તે પૂર્વના
વાયુના 'સ્પર્શ' અને આકાશના 'શબ્દ' ગુણને પણ
ધરાવે છે. અગ્નિ બાદ જળ (Water) ઉત્પન્ન થાય છે. જળનો પોતાનો ગુણ 'રસ'
(Taste) છે,
અને તેની સાથે અગ્નિના રૂપ, વાયુના સ્પર્શ અને આકાશના શબ્દ ગુણો પણ તેમાં હાજર છે. આમ, જેમ જેમ સર્જન આગળ વધે છે, તેમ તેમ દરેક નવા તત્વમાં પાછલા તત્વોના ગુણો ઉમેરાતા જાય છે, જેનાથી તે વધુ સ્થૂળ બનતા જાય છે.
સર્જનનો અંતિમ તબક્કો પૃથ્વી (Earth) છે. પૃથ્વી એ પાંચેય તત્વોમાં સૌથી સ્થૂળ તત્વ છે. તેમાં તેનો પોતાનો ગુણ 'ગંધ'
(Smell) છે,
અને સાથે તે જળનો રસ, અગ્નિનું રૂપ,
વાયુનો સ્પર્શ અને આકાશનો શબ્દ આમ પાંચેય ગુણોને સંપૂર્ણ
રીતે ધારણ કરે છે. આ પાંચ સૂક્ષ્મ તત્વો (તન્માત્રાઓ) નું જ્યારે 'પંચીકરણ' (મિશ્રણ) થાય
છે,
ત્યારે જ આપણને જે સ્થૂળ પૃથ્વી, જળ, અગ્નિ,
વાયુ અને આકાશ દેખાય
છે તે બને છે.
સત્વ ગુણ
તત્વબોધ મુજબ,
જ્યારે પંચમહાભૂતોના 'સત્વ ગુણ'નો અંશ અલગ પડે છે, ત્યારે તેમાંથી માનવ શરીરના જ્ઞાન મેળવવાના સાધનો એટલે કે જ્ઞાનેન્દ્રિયો અને
અંતઃકરણ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને નીચે મુજબ સમજી શકાય છે :
સૌ પ્રથમ,
પાંચેય મહાભૂતોના સત્વ અંશમાંથી 'અંતઃકરણ'ની ઉત્પત્તિ
થાય છે. અંતઃકરણ એ મનુષ્યનું આંતરિક જગત છે, જે ચાર મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે: મન(જે સંકલ્પ અને વિકલ્પ કરે છે), બુદ્ધિ (જે નિર્ણય લે છે), અહંકાર (જે 'હું'
પણાનો અનુભવ કરાવે છે),અને ચિત્ત (જે સ્મૃતિઓ સાચવે છે). આ અંતઃકરણ જ છે જે બહારની દુનિયાના
સંવેદનોને ગ્રહણ કરે છે અને તેને આત્મા સુધી પહોંચાડે છે.
ત્યારબાદ,
દરેક મહાભૂતના સત્વ અંશમાંથી વ્યક્તિગત 'જ્ઞાનેન્દ્રિયો'નો ઉદભવ થાય છે. આ ઇન્દ્રિયો આપણને બાહ્ય જગતનું જ્ઞાન આપે છે: આકાશના સત્વ
અંશમાંથી કાન (શ્રવણ),
વાયુના સત્વમાંથી ત્વચા (સ્પર્શ), અગ્નિના સત્વમાંથી આંખ (દ્રષ્ટિ), જળના સત્વમાંથી જીભ (સ્વાદ), અને પૃથ્વીના સત્વ અંશમાંથી નાક (ગંધ) ઉત્પન્ન થાય છે. આ પાંચેય
જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોને પકડવા માટે સક્ષમ બને છે.
આ સમગ્ર પ્રક્રિયામાં સત્વ ગુણનો મુખ્ય ઉદ્દેશ્ય 'પ્રકાશ' અને 'જ્ઞાન' પ્રદાન કરવાનો છે. સત્વ ગુણ શુદ્ધ હોવાથી તે અંતઃકરણ અને
ઇન્દ્રિયોને કાર્યક્ષમ બનાવે છે, જેથી જીવ
પોતાના અસ્તિત્વને જાણી શકે અને બાહ્ય વિષયોનો અનુભવ કરી શકે. જો સત્વ ગુણ ન હોત, તો આ ઇન્દ્રિયો જડ હોત અને કોઈ પણ માહિતી મેળવી શકી ન હોત.
આમ,
પંચમહાભૂતોનો સત્વ અંશ એ જ આપણા જ્ઞાનની બારીઓ છે જે આપણને
જગત સાથે જોડે છે.
'રજોગુણ'
તત્વબોધ મુજબ,
પંચમહાભૂતોના 'રજોગુણ'માંથી જે ઉત્ક્રાંતિ થાય છે, તે મુખ્યત્વે આપણી 'કર્મેન્દ્રિયો' અને 'પંચપ્રાણ' સાથે સંબંધિત
છે. રજોગુણ સ્વભાવે ગતિશીલ અને સક્રિય હોવાથી, તે શરીરમાં હલનચલન અને ક્રિયા કરવાની શક્તિ પૂરી પાડે છે.
સૌ પ્રથમ,
પાંચેય મહાભૂતોના રજોગુણના અંશમાંથી 'પંચપ્રાણ'ની ઉત્પત્તિ થાય છે. આ પાંચ પ્રાણ છે પ્રાણ, અપાન, વ્યાન,
ઉદાન અને સમાન શરીરની
તમામ જૈવિક ક્રિયાઓનું સંચાલન કરે છે. શ્વાસોશ્વાસ લેવો, પાચન કરવું, રુધિરાભિસરણ અને શરીરની ઊર્જાને જાળવી રાખવી એ બધું આ રજોગુણ આધારિત
પ્રાણશક્તિને કારણે જ શક્ય બને છે. જો રજોગુણ ન હોત, તો શરીર જડ હોત અને તેમાં કોઈ જૈવિક હલનચલન જોવા ન મળત.
ત્યારબાદ,
દરેક મહાભૂતના રજોગુણ અંશમાંથી વ્યક્તિગત 'કર્મેન્દ્રિયો' ઉદભવે છે. આ ઇન્દ્રિયો આપણને જગતમાં કાર્ય કરવાની ક્ષમતા
આપે છે: આકાશના રજોગુણમાંથી વાણી (બોલવાની શક્તિ), વાયુના રજોગુણમાંથી હાથ (વસ્તુ ગ્રહણ કરવાની શક્તિ), અગ્નિના રજોગુણમાંથી પગ (ચાલવાની શક્તિ), જળના રજોગુણમાંથી ઉપસ્થ (પ્રજનન શક્તિ), અને પૃથ્વીના રજોગુણમાંથી પાયુ એટલે કે ગુદા (વિસર્જન
કરવાની શક્તિ) ઉત્પન્ન થાય છે.
આમ, રજોગુણ એ મનુષ્યના 'ક્રિયાશક્તિ' ના કેન્દ્રમાં છે. જ્યાં સત્વ ગુણ જ્ઞાન આપે છે, ત્યાં રજોગુણ તે જ્ઞાનનો ઉપયોગ કરીને કર્મ કરવાની પ્રેરણા અને શક્તિ આપે છે. આ રીતે પંચમહાભૂતોના વિવિધ અંશો મળીને આપણા સૂક્ષ્મ શરીરની રચના કરે છે, જેમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ અને અંતઃકરણનો સમાવેશ થાય છે.
તમોગુણ
તત્વબોધમાં છેલ્લે 'તમોગુણ' માંથી થતી ઉત્ક્રાંતિ વિશે સમજાવવામાં આવ્યું છે. તમોગુણ એ
ભારેપણું,
જડતા અને આવરણનો ગુણ છે. પંચમહાભૂતોના આ અંશમાંથી જ આપણને
દેખાતું આ 'સ્થૂળ જગત' નિર્મિત થાય છે. સૂક્ષ્મ ભૂતોમાંથી સ્થૂળ ભૂતો બનવાની આ
પ્રક્રિયાને 'પંચીકરણ' કહેવામાં આવે
છે.
પંચીકરણની પ્રક્રિયા મુજબ, પાંચેય
સૂક્ષ્મ તત્વો (આકાશ,
વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી) ને બે સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે.
ત્યારબાદ,
દરેક તત્વનો પહેલો અડધો ભાગ બાજુ પર રાખવામાં આવે છે અને
બાકીના બીજા અડધા ભાગના ચાર સરખા ટુકડા કરવામાં આવે છે. આ ચાર ટુકડાઓ અન્ય ચાર
તત્વોના અડધા ભાગ સાથે ભળી જાય છે. આ રીતે, દરેક સ્થૂળ તત્વમાં ૫૦% પોતાનો અંશ હોય છે અને બાકીના ૫૦% માં અન્ય ચાર
તત્વોનું મિશ્રણ હોય છે.
આ જટિલ મિશ્રણને કારણે જ આપણને પૃથ્વી નક્કર દેખાય છે, જળ વહેતું દેખાય છે અને અગ્નિ પ્રકાશિત જણાય છે. આ પંચીકરણ દ્વારા જ આપણા 'સ્થૂળ શરીર'
(Physical Body) ની રચના થાય છે, જે અન્નાદિ પદાર્થો પર નિર્ભર છે. તત્વબોધ આપણને સમજાવે છે કે આપણું શરીર આ
પંચમહાભૂતોનું બનેલું છે અને અંતે તેમાં જ વિલીન થઈ જશે, તેથી આત્મા એ આ જડ શરીરથી સંપૂર્ણપણે અલગ અને ચૈતન્ય સ્વરૂપ
છે.
ઈશ્વર અને અધિષ્ઠાન દેવતા
વેદાંત અને 'તત્વબોધ'ના સંદર્ભમાં
ઈશ્વર અને અધિષ્ઠાન દેવતા (અથવા દેવતાઓના અધિષ્ઠાતા) વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ
રસપ્રદ છે. આ બંને વિભાવનાઓ જગતની રચના અને તેના સંચાલન સાથે જોડાયેલી છે.
૧. ઈશ્વર (Ishwara) :- ઈશ્વર એ સમગ્ર સૃષ્ટિના નિમિત્ત કારણ
(કાર્યકર્તા) અને માયાના સ્વામી છે. જે રીતે એક જ વીજળી સમગ્ર ઘરમાં પ્રકાશ આપે છે
અને પંખા,
એસી કે ફ્રીજને ચલાવે છે, તેમ ઈશ્વર એ એકમાત્ર સત્તા છે જે સમગ્ર બ્રહ્માંડના સર્જન, પાલન અને સંહારનું નિયંત્રણ કરે છે.
કાર્ય: સમષ્ટિ સ્તરે
ઈશ્વર સમગ્ર વિશ્વના સર્જન અને સંચાલન માટે જવાબદાર છે. તેઓ માયાના સ્વામી હોવાથી
માયા તેમને બાંધી શકતી નથી.
સ્વરૂપ: ઈશ્વર 'સર્વજ્ઞ' (બધું જાણનાર)
અને 'સર્વશક્તિમાન' છે.
૨. અધિષ્ઠાન દેવતા (Presiding
Deities):- જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે, ત્યારે ઈશ્વર દરેક ઇન્દ્રિય અને તત્વને કાર્યક્ષમ બનાવવા
માટે તે તત્વ પાછળ એક ચોક્કસ 'દેવતા' (અધિષ્ઠાન દેવતા)ની નિમણૂક કરે છે. આ દેવતાઓ એ કાર્ય-વિશેષના
સંચાલકો છે.
કાર્ય: જ્યારે ઈશ્વર
બ્રહ્માંડના વડા છે,
ત્યારે અધિષ્ઠાન દેવતાઓ વિભાગીય વડા જેવું કાર્ય કરે છે.
જેમ કે:
* આંખ (દ્રષ્ટિ) ના અધિષ્ઠાન દેવતા સૂર્ય છે.
* કાન (શ્રવણ) ના અધિષ્ઠાન દેવતા દિશાઓ (દિક્) છે.
* વાણીના અધિષ્ઠાન દેવતા અગ્નિ છે.
* પગના અધિષ્ઠાન દેવતા વિષ્ણુ છે.
ઈશ્વર અને અધિષ્ઠાન દેવતા વચ્ચેનો સંબંધ
આ સંબંધને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ: એક રાજ્યમાં રાજા (ઈશ્વર) સર્વોપરી
છે,
પરંતુ રાજ્યનું સંચાલન કરવા માટે રાજાએ મંત્રીઓ કે અધિકારીઓ
(અધિષ્ઠાન દેવતાઓ)ની નિમણૂક કરી છે. અધિકારીઓ પાસે જે શક્તિ છે, તે રાજા તરફથી જ મળેલી છે. તેવી જ રીતે, અધિષ્ઠાન દેવતાઓ પોતાની ઇન્દ્રિય કે તત્વને શક્તિ આપવા માટે
બ્રહ્મ પર જ આધારિત છે.
જીવ અને ઈશ્વર
અદ્વૈત વેદાંતના સિદ્ધાંત મુજબ, 'જીવ' અને 'ઈશ્વર' વચ્ચેનો સંબંધ સમજવો એ આધ્યાત્મિક જ્ઞાનનો મુખ્ય આધારસ્તંભ
છે. આ બંને એક જ ચૈતન્ય (બ્રહ્મ) ના બે અલગ-અલગ દ્રષ્ટિકોણ છે, જેનો તફાવત માત્ર માયાના આવરણને કારણે ઊભો થાય છે.
જીવ (Individual Self)
જીવ એ ચૈતન્ય છે જે અજ્ઞાન અથવા માયાના પ્રભાવ હેઠળ છે. જ્યારે આ શુદ્ધ
ચૈતન્ય પાંચ કોષો (અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને
આનંદમય) અને વિવિધ ઉપાધિઓ (શરીર, ઇન્દ્રિયો, મન,
બુદ્ધિ) સાથે પોતાને જોડી દે છે, ત્યારે તે 'જીવ' કહેવાય છે.
મર્યાદા: જીવ અલ્પજ્ઞ
(થોડું જાણનાર) અને અલ્પશક્તિમાન છે. તે સુખ-દુઃખ, જન્મ-મરણ અને કર્મના બંધનોમાં ફસાયેલો રહે છે.
સ્થિતિ: જીવ માયાનો
દાસ છે,
કારણ કે તે અજ્ઞાનને કારણે પોતાને શરીર જ માની બેસે છે.
ઈશ્વર (Universal
Consciousness)
ઈશ્વર(બ્રહ્મ + માયા) એ એ જ શુદ્ધ ચૈતન્ય છે, જે માયાના સ્વામી છે. ઈશ્વર માયાનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી બંધાતા નથી. ઈશ્વર માયા દ્વારા સમગ્ર
બ્રહ્માંડનું સર્જન,
સ્થિતિ અને સંહાર કરે છે.
શક્તિ : ઈશ્વર સર્વજ્ઞ (બધું જાણનાર) અને સર્વશક્તિમાન છે. તેઓ
સમગ્ર બ્રહ્માંડના નિયંતા છે.
સ્થિતિ:ઈશ્વર માયાના
સ્વામી છે,
તેથી તેમને કોઈ કર્મબંધન નડતા નથી.
જીવ અને ઈશ્વરનો તફાવત (સામ્યતા અને ભેદ)
વેદાંતમાં આ તફાવતને સમજવા માટે એક સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે: જેમ એક જ માટીના
પાત્ર (ઘડો, પ્યાલો કે ઓરડો) અલગ-અલગ દેખાય છે, તેમ ચૈતન્ય એક જ છે,
પરંતુ ઉપાધિ (શરીર)ના કારણે તે જીવ અને ઈશ્વર તરીકે ભાસે
છે.
જ્યારે જીવ પોતાના અજ્ઞાનને દૂર કરે છે અને સાચી સમજ કેળવે છે, ત્યારે તેને સમજાય છે કે 'અહમ બ્રહ્માસ્મિ' (હું જ બ્રહ્મ છું). આ અવસ્થામાં
જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ દૂર થઈ જાય છે અને જીવ પૂર્ણત્વનો અનુભવ કરે છે.
વેદાંતના ચાર મુખ્ય મહાવાક્યોમાં 'તત્વમસિ' અને 'અહમ્ બ્રહ્માસ્મિ' 'પ્રજ્ઞાનં બ્રહ્મ' અને 'અયમાત્મા બ્રહ્મ' છે :-
'તત્વમસિ'
અને 'અહમ્ બ્રહ્માસ્મિ'
બંને એક જ પરમ સત્યનો નિર્દેશ કરે છે, પરંતુ તેમની અભિવ્યક્તિ અને સાધકની ભૂમિકામાં સૂક્ષ્મ તફાવત રહેલો છે. 'તત્વમસિ' એ ગુરુ દ્વારા શિષ્યને આપવામાં આવેલો ઉપદેશ છે, જે બહારથી અંદરની તરફ નિર્દેશ કરે છે. જ્યારે ગુરુ શિષ્યને
કહે છે કે "તે બ્રહ્મ તું જ છે," ત્યારે તે શિષ્યના અજ્ઞાનને દૂર કરી તેને તેના સાચા
સ્વરૂપનો પરિચય કરાવે છે. આ વાક્ય 'પરોક્ષ'
થી 'અપરોક્ષ' જ્ઞાન તરફની યાત્રા છે, જ્યાં પરમાત્માને કોઈ દૂરની વસ્તુ માનવાને બદલે પોતાના આત્મા તરીકે
સ્વીકારવામાં આવે છે.
'તત્વમસિ'
(Tat Tvam Asi) એ ઉપનિષદોનું એક અત્યંત મહત્વનું અને ગહન 'મહામંત્ર' છે, જે વેદાંતના સમગ્ર દર્શનનો સારાંશ આપે છે. આ સંસ્કૃત
મહાવાક્યના ત્રણ મુખ્ય ભાગ છે: 'તત્' એટલે કે તે પરમ તત્વ (બ્રહ્મ), 'ત્વમ' એટલે કે તું
(જીવ),
અને 'અસિ' એટલે કે છે. આમ, આ વાક્યનો સીધો અર્થ થાય છે: "તે (પરમ સત્ય/બ્રહ્મ) તું જ છે." આ
વાક્ય છંદોગ્ય ઉપનિષદમાં આવે છે, જેમાં ગુરુ
ઉદ્દાલક આરુણિ પોતાના પુત્ર શ્વેતકેતુને સમજાવે છે કે જે પરમ સત્ય સૃષ્ટિના મૂળમાં
છે,
તે જ તારા આત્માનું સાચું સ્વરૂપ છે.
બીજી બાજુ,
'અહમ્ બ્રહ્માસ્મિ' એ સાધકની પોતાની અનુભૂતિ અથવા સાક્ષાત્કારનું વાક્ય છે. આ
વાક્ય બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે અને તેનો અર્થ થાય છે, "હું જ બ્રહ્મ છું." જ્યારે શિષ્ય ગુરુના ઉપદેશ 'તત્વમસિ'
પર ગહન મનન અને નિદિધ્યાસન કરે છે, ત્યારે તેને જે આંતરિક અનુભવ થાય છે, તે 'અહમ્
બ્રહ્માસ્મિ'
તરીકે પ્રગટ થાય છે. આ એક 'સ્વ-અનુભવ'
(Self-realization) ની સ્થિતિ છે, જેમાં 'હું' અને 'તે' વચ્ચેનો ભેદ સંપૂર્ણપણે ઓગળી જાય છે.
સરળ શબ્દોમાં કહીએ તો, 'તત્વમસિ' એ ઉપદેશ વાક્ય છે, જે ગુરુ દ્વારા સત્યનું પ્રતિપાદન કરે છે. જ્યારે 'અહમ્ બ્રહ્માસ્મિ' એ અનુભવ વાક્ય છે, જે મુક્ત થયેલા જીવની અંતિમ ઘોષણા છે. પ્રથમ વાક્ય માર્ગ બતાવે છે, જ્યારે બીજું વાક્ય લક્ષ્ય સુધી પહોંચ્યાનો પુરાવો આપે છે. આ બંને મહાવાક્યોનો હેતુ જીવને તેના મર્યાદિત અહંકારમાંથી મુક્ત કરી તેને અનંત ચૈતન્ય સાથે એકાકાર કરવાનો છે.
આ મહામંત્રનું સૌથી મોટું રહસ્ય આપણી ઓળખમાં છુપાયેલું છે. સામાન્ય રીતે આપણે
આપણી જાતને મર્યાદિત શરીર,
મન,
નામ કે વ્યવસાય તરીકે ઓળખીએ છીએ, જે સત્ય નથી પણ માત્ર એક અસ્થાયી ભ્રમ છે. 'તત્વમસિ' આપણને એ ભાન કરાવે છે કે આપણું વાસ્તવિક સ્વરૂપ એ કોઈ મર્યાદિત અસ્તિત્વ નથી, પરંતુ એ જ અનંત અને અસીમ બ્રહ્મ છે જે સમગ્ર બ્રહ્માંડનું
આધારભૂત સત્ય છે. જ્યારે સાધક આનું ઊંડું ચિંતન કરે છે, ત્યારે તેને સમજાય છે કે બહાર દેખાતું પરમ તત્વ અને અંદર
રહેલો આત્મા બંને એક જ છે.
વ્યવહારિક દ્રષ્ટિએ,
આ મંત્ર માત્ર એક સિદ્ધાંત નથી પણ એક અનુભૂતિ છે. જ્યારે
વ્યક્તિ ખરેખર સમજે છે કે જે દૈવી તત્વ પોતાનામાં છે, તે જ તત્વ બીજા દરેક જીવમાં પણ રહેલું છે, ત્યારે તેના અહંકારનો નાશ થાય છે. આ સમજણથી પ્રેમ, કરુણા અને સર્વભૂતહિતની ભાવના જન્મે છે. તે સમજાવે છે કે
જીવ અને બ્રહ્મ વચ્ચે વાસ્તવમાં કોઈ ભેદ નથી; આ ભેદ માત્ર અજ્ઞાનને કારણે ભાસે છે. ટૂંકમાં, 'તત્વમસિ'
એ જીવને સંસારના બંધનોમાંથી મુક્ત કરીને તેના મૂળભૂત
પૂર્ણત્વનો પરિચય કરાવતો એક સાક્ષાત્કાર છે.
'પ્રજ્ઞાનં બ્રહ્મ' અને 'અયમાત્મા બ્રહ્મ'
'પ્રજ્ઞાનં બ્રહ્મ' અને 'અયમાત્મા બ્રહ્મ'
પણ અત્યંત ગહન અર્થ ધરાવે છે. આ બંને વાક્યો જીવ અને બ્રહ્મની
એકતાને અલગ દ્રષ્ટિકોણથી પ્રસ્થાપિત કરે છે. 'પ્રજ્ઞાનં
બ્રહ્મ' (Prajnanam Brahma) ઋગ્વેદના ઐતરેય ઉપનિષદમાંથી
આવે છે, જેનો અર્થ છે "ચૈતન્ય જ બ્રહ્મ છે." આ
વાક્ય બ્રહ્મનું લક્ષણ સમજાવે છે તે કોઈ જડ પદાર્થ નથી, પરંતુ
શુદ્ધ જ્ઞાન અને જાગૃતિનું સ્વરૂપ છે. જે ચેતના દ્વારા આપણે જોઈએ છીએ,
સાંભળીએ છીએ કે વિચારીએ છીએ, તે જ ચેતના
વાસ્તવમાં અનંત બ્રહ્મ છે.
બીજી તરફ, 'અયમાત્મા બ્રહ્મ' (Ayam Atma
Brahma) અથર્વવેદના માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે,
જેનો અર્થ છે "આ આત્મા જ બ્રહ્મ છે." અહીં 'અયમ' (આ) શબ્દ અત્યંત મહત્વનો છે, કારણ કે તે આપણી સૌથી નજીકની વસ્તુ—આપણો પોતાનો
આત્મા—તરફ આંગળી ચીંધે છે. આ વાક્ય સાધકને સમજાવે છે કે જે
પરમ તત્વને તે મંદિરોમાં કે આકાશમાં શોધે છે, તે ખરેખર તેના
પોતાના હૃદયમાં રહેલો આત્મા જ છે. આ એક સાક્ષાત્કારનું વાક્ય છે જે બાહ્ય શોધનો
અંત લાવી અંતર્મુખ થવાની પ્રેરણા આપે છે. ચાર મહાવાક્યોનો સારાંશ
|
મહાવાક્ય |
વેદ |
અર્થ |
ભૂમિકા |
|
પ્રજ્ઞાનં
બ્રહ્મ |
ઋગ્વેદ |
ચૈતન્ય જ
બ્રહ્મ છે |
લક્ષણ
વાક્ય (વ્યાખ્યા) |
|
તત્વમસિ |
સામવેદ |
તે તું જ
છે |
ઉપદેશ
વાક્ય (ગુરુનો બોધ) |
|
અયમાત્મા
બ્રહ્મ |
અથર્વવેદ |
આ આત્મા
જ બ્રહ્મ છે |
અભ્યાસ
વાક્ય (ચિંતન) |
|
અહં
બ્રહ્માસ્મિ |
યજુર્વેદ |
હું જ
બ્રહ્મ છું |
અનુભવ
વાક્ય (સાક્ષાત્કાર) |
આ રીતે, આ ચારેય વાક્યો એકસાથે મળીને
સાધકને અજ્ઞાનના અંધકારમાંથી મુક્ત કરી પૂર્ણત્વ તરફ લઈ જાય છે.
જીવનમુક્ત કે આત્મસાક્ષાત્કાર :-
'જીવનમુક્ત' (Jivanmukta) એ અદ્વૈત વેદાંતની અંતિમ
અને સર્વોચ્ચ સ્થિતિ છે. આ શબ્દ બે શબ્દોનો બનેલો છે: 'જીવન'
(જીવિત અવસ્થા) અને 'મુક્ત' (બંધનથી મુક્તિ). અર્થાત્, જે વ્યક્તિ દેહમાં હોવા
છતાં, જીવિત હોવા છતાં, જન્મ-મરણના અને
સંસારના બંધનોમાંથી મુક્ત થઈ ગઈ છે, તેને 'જીવનમુક્ત' કહેવામાં આવે છે. આ સ્થિતિ કોઈ
મૃત્યુ પછીની વાત નથી, પરંતુ આ જ જન્મમાં અને આ જ ક્ષણે
અનુભવી શકાય તેવી પરમ ચેતનાની સ્થિતિ છે. આત્મસાક્ષાત્કાર કે જીવનમુક્ત વ્યક્તિનું
શરીર અને ઇન્દ્રિયો કાર્યરત હોય છે, પરંતુ તે અહંકાર અને
મમતાથી પર હોય છે. તેને એ વાતનું સંપૂર્ણ જ્ઞાન હોય છે કે 'હું આ શરીર નથી, પરંતુ હું અવિનાશી આત્મા છું.'
જ્યારે અજ્ઞાનનો નાશ થાય છે, ત્યારે
કર્મના બંધનો પણ છૂટી જાય છે. જે રીતે એક અગ્નિમાં બળી ગયેલા બીજમાંથી ફરીથી છોડ
ઉગી શકતો નથી, તેમ જીવનમુક્ત વ્યક્તિના સંચિત કર્મો
જ્ઞાનરૂપી અગ્નિમાં ભસ્મીભૂત થઈ જાય છે, તેથી તેને ફરીથી
સંસારના ચક્રમાં પડવું પડતું નથી.
જીવનમુક્ત વ્યક્તિના વર્તનમાં કેટલીક વિશેષતાઓ જોવા મળે છે. તેને દુનિયામાં
કોઈ વસ્તુ પ્રત્યે રાગ કે દ્વેષ હોતો નથી. તે સુખ અને દુઃખ, માન અને અપમાન, જય અને પરાજય આ તમામ
દ્વંદ્વોમાં એક સમાન રહે છે. તે સદા આનંદમાં અને પરમ શાંતિમાં રહે છે, કારણ કે તેણે પોતાની ઓળખ અસીમ બ્રહ્મ સાથે સ્થાપિત કરી લીધી છે. તે
દેખાવમાં સામાન્ય માણસ જેવો જ લાગે છે, પરંતુ તેનું આંતરિક
જગત સંપૂર્ણપણે પરિવર્તિત થયેલું હોય છે.
આ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે સાધકે 'તત્વબોધ' માં જણાવ્યા મુજબ શ્રવણ (ગુરુ
પાસેથી સત્ય સાંભળવું), મનન
(તેના પર ચિંતન કરવું) અને નિદિધ્યાસન (તેને પોતાના જીવનમાં ઉતારવું) નો
અભ્યાસ કરવો પડે છે. જ્યારે સતત અભ્યાસ દ્વારા 'અહંકાર'
નો સંપૂર્ણ નાશ થાય છે, ત્યારે જીવને આત્માના
સાક્ષાત્કારની પ્રાપ્તિ થાય છે અને તે જીવનમુક્ત બની જાય છે. તે જ સમયે તે અનુભવે
છે કે આખું જગત પણ બ્રહ્મ જ છે.
અસંગ :-
વેદાંત અને અધ્યાત્મની દ્રષ્ટિએ 'અસંગ' (Asanga) શબ્દ અત્યંત મહત્વનો છે. તે 'અ'
(નહીં) અને 'સંગ'
(જોડાણ) માંથી બનેલો છે, જેનો અર્થ થાય છે જે કોઈ પણ વસ્તુ
સાથે જોડાયેલું નથી,
જે નિષ્પક્ષ અથવા અલિપ્ત છે.આત્માના સ્વભાવને સમજવા માટે વેદાંતમાં આ એક મુખ્ય ગુણ માનવામાં આવે છે.
આત્મા અસંગ કેમ છે?
'તત્વબોધ'
અથવા અન્ય વેદાંતિક ગ્રંથો મુજબ, આત્માનું સ્વરૂપ એવું છે કે તે કોઈ પણ ભૌતિક કે માનસિક
વસ્તુ સાથે ભળતું નથી. જે રીતે આકાશ (Space) દરેક વસ્તુમાં રહેલું હોવા છતાં કોઈ વસ્તુ તેને સ્પર્શી શકતી નથી કે તેને
બાંધી શકતી નથી,
તેવી જ રીતે આત્મા સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં
તે 'અસંગ' છે. આપણે
ભ્રમમાં રહીએ છીએ કે આપણે શરીર, મન કે કર્મો
સાથે જોડાયેલા છીએ,
પરંતુ વાસ્તવમાં આત્મા સાક્ષીરૂપ છે અને તે અલિપ્ત જ છે.
અસંગ અવસ્થાની સમજ :-
'અસંગ' હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ સંસાર છોડીને જતો રહે અથવા
સામાજિક જીવનનો ત્યાગ કરે. અસંગ એ એક માનસિક અને આંતરિક સ્થિતિ છે.ઉદાહરણ : જેવી
રીતે કમળનું પર્ણ પાણીમાં હોવા છતાં પાણીથી ભીંજાતું નથી, તેમ જીવનમુક્ત વ્યક્તિ દુનિયામાં રહીને પણ તેના સંસારી
બંધનો કે લાગણીઓથી અલિપ્ત રહે છે. તે જાણે છે કે સુખ-દુઃખ કે પાપ-પુણ્ય એ માત્ર મન
અને શરીરના અનુભવો છે,
તેનો પોતાનો આત્માનો નથી.
અસંગ રહેવાના ફાયદા
જ્યારે સાધક પોતાની જાતને અસંગ તરીકે ઓળખે છે, ત્યારે તેનો ભય દૂર થઈ જાય છે. મોટાભાગનો દુઃખનો સ્ત્રોત 'અતિશય જોડાણ' (Attachment) છે. જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે 'હું'
અને 'મારું' જોડીએ છીએ, ત્યારે જ દુઃખ
શરૂ થાય છે. 'અસંગ'નો અભ્યાસ
કરવાથી સાધકને સમજાય છે કે:
* તે મનનો સાક્ષી છે,
મન પોતે નથી.
* તે કર્મોનો સાક્ષી છે, કર્મોનો કર્તા
નથી.
* તે આત્મા છે,
જે જન્મ અને મૃત્યુથી પર છે.
આ અસંગ ભાવ સાધકને શાંતિ આપે છે. તે સંસારમાં કાર્ય તો કરે છે, પરંતુ પરિણામોમાં ફસાતો નથી. તેને કર્મના ફળની ઈચ્છા હોતી
નથી,
તેથી તે કર્મના બંધનમાંથી પણ મુક્ત રહે છે. ટૂંકમાં, 'અસંગોહ્યમ્' (હું અસંગ છું) આ ભાવના જ આત્માના સાક્ષાત્કારનો માર્ગ છે.
'સર્વનો અંતર્યામી'
વેદાંત અને અધ્યાત્મશાસ્ત્રમાં 'સર્વનો અંતર્યામી' અથવા 'સર્વનો આત્મા' તરીકે ઓળખાતી આ વિભાવના અત્યંત ઉચ્ચ કોટિની છે. જ્યારે આપણે કહીએ છીએ કે ઈશ્વર
કે આત્મા 'સર્વનો અંતર્યામી'
(Indweller of all) છે, ત્યારે તેનો અર્થ એ છે કે તે પરમ તત્વ માત્ર બહાર નથી, પરંતુ દરેક જીવ, પદાર્થ અને અણુ-પરમાણુની અંદર તેના મૂળભૂત અસ્તિત્વ તરીકે વિદ્યમાન છે.
આ વિભાવના મુજબ,
જેવી રીતે માળાના મણકાઓમાં દોરો પરોવાયેલો હોય છે અને તે
બહારથી દેખાતો નથી છતાં આખી માળાને ધારણ કરે છે, તેવી જ રીતે બ્રહ્મ આ સમગ્ર સૃષ્ટિમાં અંતર્યામી રૂપે વ્યાપ્ત છે. તે જીવના
હૃદયમાં રહેલો છે,
છતાં જીવના દોષો તેને સ્પર્શી શકતા નથી. તે દરેક ઇન્દ્રિયનો
પણ ઇન્દ્રિય છે અને દરેક મનનો પણ સાક્ષી છે, પરંતુ મન તેને જાણી શકતું નથી કારણ કે તે મનનું પણ આધારભૂત સત્ય છે.
આ સમજણનો સૌથી મોટો વ્યવહારિક લાભ એ છે કે તે માણસમાં 'વસુધૈવ કુટુંબકમ' એટલે કે આખું વિશ્વ મારું કુટુંબ છે તેવો ભાવ જગાડે છે. જો
તમે એ સ્વીકારો છો કે જે આત્મા મારામાં છે, તે જ આત્મા તમારામાં,
પ્રાણીઓમાં, પક્ષીઓમાં અને પ્રકૃતિના દરેક તત્વમાં છે, તો પછી ઘૃણા,
ઈર્ષ્યા કે ભેદભાવ માટે કોઈ સ્થાન રહેતું નથી. તે જીવનમાં
પરમ કરુણા અને અહિંસાનો માર્ગ મોકળો કરે છે.
આ સ્થિતિને અનુભવવી એ જ સાધનાનો અંતિમ ઉદ્દેશ્ય છે. જ્યારે સાધક પોતાની ભીતર
રહેલા આ 'અંતર્યામી' ને ઓળખે છે, ત્યારે તેને સમજાય છે કે તે ક્યારેય એકલો નથી, કારણ કે જે આખું બ્રહ્માંડ ચલાવે છે, તે જ તેની અંદર બેઠેલું છે. આ આંતરિક જોડાણ જ સાધકને તમામ
ભય અને અસુરક્ષામાંથી મુક્ત કરીને એક પરમ શાંતિની અનુભૂતિ કરાવે છે.
આદી શ્રી શંકરાચાર્ય કૃત તત્વબોધ સારાંશ પૂર્ણ
Comments
Post a Comment