નાસદીય સૂક્ત’ :- સૃષ્ટિનું સૂક્ત
‘નાસદીય સૂક્ત’ :- "સૃષ્ટિનું સૂક્ત,"
નાસાદિક સૂક્ત એ જગત સાહિત્યના પ્રાચીનતમ સંસ્કૃત ગ્રંથ ઋગ્વેદના ૧૦મા
મંડલનું ૧૨૯મું સ્તોત્ર છે. તેને નાસાદિક સૂક્ત કહેવામાં આવે છે કારણ કે તે
"નાસાદ" (= ન + અસદ) શબ્દથી શરૂ થાય છે. તેનો વિષય બ્રહ્માંડ વિજ્ઞાન અને બ્રહ્માંડની ઉત્પત્તિનો
છે.વિદ્વાનો માને છે કે આ સ્તોત્રમાં ભારતીય તર્કશાસ્ત્રના બીજ રહેલા છે.
નાસાદિક સૂક્તના લેખક ઋષિ પ્રજાપતિ પરમેષ્ઠી છે. આ સ્તોત્રના દેવતા ભાવવૃત્ત
છે.
આ સૂક્ત ત્રિષ્ટુપ્ છંદમાં રચાયેલી સાત ઋચાઓ કે મંત્રોનું
બનેલું છે.
સૃષ્ટિના સર્જન કે સૃષ્ટિના મૂળ તત્વ વિશે વિચારણા કરતું હોવાથી આ નાસદીય
સૂક્ત ઋગ્વેદના પુરુષસૂક્ત (૧૦/૯૦) અને હિરણ્યગર્ભસૂક્ત (૧૦/૧૨૧)
જેવાં તત્વજ્ઞાનવિષયક સૂક્તોની યાદ આપે છે.
ઉપનિષદો ભારતીય તત્વજ્ઞાનના ગ્રંથો છે તેથી તેમને વેદનો જ્ઞાનકાંડ કહે
છે. વેદને અંતે તે આવતા હોવાથી વેદાંત પણ કહેવાય છે. સંહિતાઓ અને બ્રાહ્મણગ્રંથો
કર્મકાંડના ગ્રંથો છે. તેમાં જ્ઞાનકાંડની ચર્ચા કરતાં તત્વજ્ઞાન વિષયક ત્રણ-ચાર સૂક્તોમાં
નાસદીય સૂક્ત ખૂબ અગત્યનું છે. તત્વજ્ઞાનના માયાવાદ, સદસદવાદ,
રજોવાદ, વ્યોમવાદ, અપરવાદ, આવરણવાદ, અંભોવાદ, અમૃતમૃતવાદ, અહોરાત્રવાદ, દૈવવાદ,
સંશયવાદ, અજ્ઞેયવાદ
વગેરે સિદ્ધાન્તો આ સૂક્તમાં જોવાનો યત્ન પ્રાચીન સાયણાચાર્યથી આરંભી
આધુનિક વિદ્વાનોએ કર્યો છે. પરિણામે તત્વજ્ઞાનનું પ્રારંભિક સ્વરૂપ બતાવતું આ
સૂક્ત વિદ્વાનો અને તત્વજ્ઞાનીઓનું માનીતું છે.
શ્રી સદગુરૂના માર્ગદર્શન તથા આર્શિવાદથી તેને સમજવાની કોશિશ કરી છે :-
नास॑दासी॒न्नो सदा॑सीत्त॒दानीं॒ नासी॒द्रजो॒ नो व्यो॑मा
प॒रो यत् ।
किमाव॑रीव॒: कुह॒ कस्य॒ शर्म॒न्नम्भ॒: किमा॑सी॒द्गह॑नं
गभी॒रम् ॥१॥
વિસ્તૃત સમજૂતી:-
જ્યારે આ સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે શું હતું?
એ પ્રશ્નનો ઉત્તર આ મંત્ર આપે છે:
ü અસત'
એટલે જે 'અવ્યક્ત' અપ્રાગટ છે તે અથવા હજુ જેનું અસ્તિત્વ જ નથી તેવું પણ
નહોતું. એટલે કે તે સમયે જગત પ્રગટ પણ નહોતું થયું અને સાવ શૂન્ય પણ નહોતું.
ü સત એટલે જે વ્યક્ત થયેલ છે કે જેનું અસ્તિત્વ છે તેવું જગત
અથવા જે અસ્તિત્વમાં આવેલ છે એવું,આવું દ્રશ્ય જગત પણ નહોતું .
ü પૃથ્વી જેવા લોક (રજ) નહોતા અને આપણી ઉપર જે આકાશ દેખાય છે
તે પણ નહોતું. તેની પેલે પાર જે કંઈ પણ હોઈ શકે, તેવું કંઈ જ અસ્તિત્વમાં નહોતું.
ü અહી ઋષિ પ્રશ્ન કરે છે કે જો જો કંશુય નહોતું તો, તો પછી તેને કોણે ઢાંક્યું હતું (ઢાકેલું શું હતું ? તેને કોણે ઢાંક્યું હતું ?) અને તે કોના આશ્રયે હતું ? શું ત્યાં ગહન અને અત્યંત ઊંડું જળ હતું ?
ü તે સમયે ના તો પદાર્થ (પૃથ્વી હતી )હતો કે ના તો આકાશ હતું . ના તો કોઈ લોક-પરલોક હતા. બીજો અર્થ એવો પણ થઈ શકે કે ત્યાં ના તો દ્રવ્ય(હાજરી – કઈક વસ્તું ) હતું કે ના તો અવકાશ(ગેર હાજરી કે શૂન્યાવકાશ) હતો.
આમ આ ઋચાનો અર્થ છે કે સત એટલે જે વ્યક્ત થયેલ છે તેવું જગત અથવા જે
અસ્તિત્વમાં આવેલ છે એવું;
આવું દ્રશ્ય જગત તે સમયે નહોતું. અસત એટલે જે 'અવ્યક્ત' છે તે, અથવા હજુ જેનું અસ્તિત્વ જ નથી તેવું પણ નહોતું. એટલે કે તે
સમયે જગત પ્રગટ પણ નહોતું થયું અને સાવ શૂન્ય પણ નહોતું. એવો અર્થ પણ થઈ શકે કે
ત્યાં ના તો દ્રવ્ય (હાજરી–કંઈક વસ્તુ) હતું કે ના તો અવકાશ (ગેરહાજરી કે શૂન્યાવકાશ)
હતો.
પૃથ્વી જેવા લોક (રજ) નહોતા અને આપણી ઉપર જે આકાશ દેખાય છે
તે પણ નહોતું. તેની પેલે પાર જે કંઈ પણ હોઈ શકે, તેવું કંઈ જ અસ્તિત્વમાં નહોતું. અહીં ઋષિ પ્રશ્ન કરે છે કે જો કંઈ હતું જ
નહીં,
તો પછી ઢાંકેલું શું હતું? અને તેને કેણે ઢાંક્યું હતું? જો કશુંય નહોતું તો આ બધું કોના આધારે હતું? કોના આશ્રય, રક્ષણ કે શાંતિદાયક આવરણમાં હતું? શું ત્યાં ગહન,અગાધ અને અત્યંત ઊંડું જળ હતું?
(પ્રાચીનકાળમાં જળને સૃષ્ટિનું મૂળ માનવામાં આવતું, પણ અહીં ઋષિ એ પ્રશ્ન ઉઠાવે છે કે શું એ અગાધ અને ગહન જળ પણ એ સમયે હતું ખરું?)
न मृ॒त्युरा॑सीद॒मृतं॒ न तर्हि॒ न रात्र्या॒ अह्न॑
आसीत्प्रके॒तः ।
आनी॑दवा॒तं स्व॒धया॒ तदेकं॒ तस्मा॑द्धा॒न्यन्न प॒रः किं
च॒नास॑ ॥२॥
વિસ્તૃત સમજૂતી :-
ü
તે સમયે
મૃત્યુ જેવું કંઈ નહોતું,
કારણ કે જેનો જન્મ જ નથી થયો તેનું મૃત્યુ કેવી રીતે હોય? અને જો મૃત્યુ ન હોય, તો 'અમૃત' (અમરત્વ) જેવો કોઈ શબ્દ કે ખ્યાલ પણ અસ્તિત્વમાં ક્યાથી હોય (જન્મ-મરણ
કે અમરત્વ જ નહોતું) .જીવન અને મરણના ચક્રથી પરની સ્થિતિ હતી.
ü સમય પણ દ્રશ્ય જગતનો જ ભાગ છે,જ્યારે દ્રશ્ય જગત જ નહોતું તો સમય ક્યાથી હોય.દ્રશ્ય જગતમાં દિવસ
અને રાત દ્વારા સમયને માપીએ છીએ.પરંતુ તે સમયે સૂર્ય, ચંદ્ર,પૃથ્વી કે
તારાઓ જ નહોતા,તેથી દિવસ અને રાત્રિ વચ્ચેનો કોઈ ભેદ કે ઓળખ (પ્રકેત)
નહોતી. સમય જાણે થંભી ગયેલો હતો અથવા હજુ શરૂ જ નહોતો થયો.
ü તે 'એક' તત્ત્વ (પરમ બ્રહ્મ
અથવા પરમ ચેતના) સિવાય બીજું કંઈ જ નહોતું જે વાયુ વગર પણ પોતાની મેળે,પોતાની જ શક્તિથી (સ્વધયા) શ્વાસ લઈ રહ્યું હતું. આનો અર્થ
એ છે કે તે તત્ત્વ કોઈ બાહ્ય સાધન પર નિર્ભર નહોતું; તે સ્વયંભૂ હતું.
નાસદીય સૂક્તના આ બીજા મંત્રનો સાર એ છે કે સૃષ્ટિના પ્રારંભ
પૂર્વે જન્મ-મરણ કે અમરત્વ જેવો કોઈ ભેદ નહોતો, કારણ
કે તે અવસ્થા જીવન અને મૃત્યુના ચક્રથી સાવ પર હતી; વળી, તે સમયે સૂર્ય, ચંદ્ર
કે પૃથ્વી જેવા કોઈ પિંડ ન હોવાથી દિવસ અને રાત વચ્ચેની ઓળખ આપતો 'સમય' પણ અસ્તિત્વમાં નહોતો, અને માત્ર એ 'એક' પરમ
ચેતના જ વાયુ વગર પોતાની જ આંતરિક શક્તિથી શ્વાસ લેતી
(પ્રાણવાન) હતી, જે સૂચવે છે કે તે પરમ તત્ત્વ સ્વયંભૂ
હતું અને તેના સિવાય અન્ય કોઈ પણ દ્રવ્ય કે અવકાશનું અસ્તિત્વ નહોતું.
-
तुच्छ्येनाभ्वपिहितं यदासीत्तपसस्तन्महिना जायतैकं॥३॥
વિગતવાર સમજૂતી
ü
સૃષ્ટિના
પ્રારંભમાં ચારેબાજુ માત્ર અંધકાર હતો. આ અંધકાર પણ અંધકારથી જ ઢંકાયેલો હતો. તેનો
અર્થ એ છે કે ત્યારે અજ્ઞાન કે અપ્રકાશ સિવાય બીજું કંઈ જ નહોતું. બધું જ
એક રહસ્યમય અને ગાઢ સ્થિતિમાં હતું.
(વાસ્તવમાં જો આપણે એમ કહીયે કે ત્યાં અજ્ઞાન હતું તો તે પણ
ખોટું પડે કેમેકે “ત્યાં અજ્ઞાન હતું” તે પણ એક પ્રકારનું જ્ઞાન છે. તે જ રીતે અંધકાર
હતો તે પણ જ્ઞાન થયું તેથી અંધકાર હતો તેવું કહેવાનો આશય ફક્ત વર્ણન કરવા પૂરતો છે
)
ü ત્યારે જે કંઈ પણ હતું તે ઓળખી શકાય તેવા આકારમાં નહોતું (અપ્રકેતમ્).
તે બધું જ 'સલિલ' (અભેદ્ય જળ) એટલે
કે પ્રવાહી જેવું વહેતું અથવા એકરસ પ્રવાહી જેવું હતું. (અહીં જળનો અર્થ માત્ર
પાણી નથી,
પણ એક એવી ગતિશીલ ઉર્જા છે જેનો કોઈ નિશ્ચિત આકાર નથી.)
ü
તે સમયે જે
મહાન વ્યાપક તત્ત્વ (બ્રહ્મ) હતું, તે શૂન્યતા અથવા 'તુચ્છ' (નજીવા) આવરણથી
ઢંકાયેલું હતું. જાણે કે એક વિશાળ શક્તિ એક નાનકડા બિંદુમાં સમાયેલી હોય તેમ તે
અપ્રગટ અવસ્થામાં હતું.
ü પછી એ 'એક' તત્ત્વમાં તપ (ઊર્જા, ગરમી અથવા સંકલ્પ શક્તિ) ઉત્પન્ન થઈ. આ તપની મહત્તાથી (સંકલ્પની ઉર્જાથી), એ સુષુપ્ત અવસ્થામાં રહેલું તત્ત્વ જાગૃત થયું અને સૃષ્ટિના
સર્જનની પ્રક્રિયા શરૂ થઈ. તે નિરાકારમાંથી સાકાર થવા તરફ આગળ વધ્યું.
સૃષ્ટિના પ્રારંભમાં ચારેબાજુ માત્ર અંધકાર હતો, જે અંધકારથી જ ઢંકાયેલો હોવાથી ત્યાં અજ્ઞાન કે અપ્રકાશ સિવાય બીજું કંઈ જ નહોતું. તે સમયે જે કંઈ પણ હતું તે ઓળખી ન શકાય તેવા આકારમાં (અપ્રકેતમ્) હતું અને બધું જ 'સલિલ' એટલે કે કોઈ નિશ્ચિત આકાર વગરની ગતિશીલ ઊર્જા જેવું અભેદ્ય અને એકરસ પ્રવાહી હતું. આ મહાન વ્યાપક તત્ત્વ (બ્રહ્મ) ત્યારે શૂન્યતા અથવા 'તુચ્છ' જેવા નજીવા આવરણથી એવી રીતે ઢંકાયેલું હતું, જાણે કે કોઈ વિશાળ શક્તિ એક નાનકડા બિંદુમાં સમાયેલી હોય. અંતે, એ 'એક' તત્ત્વમાં સંકલ્પની ઊર્જાથી સુષુપ્ત અવસ્થામાં રહેલું તત્ત્વ જાગૃત થઈ નિરાકારમાંથી સાકાર તરફ ગતિ કરી સૃષ્ટિના સર્જનની પ્રક્રિયામાં પ્રવૃત્ત થયું.
काम॒स्तदग्रे॒ सम॑वर्त॒ताधि॒ मन॑सो॒ रेत॑: प्रथ॒मं यदासी॑त्
।
स॒तो बन्धु॒मस॑ति॒ निर॑विन्दन्हृ॒दि प्र॒तीष्या॑ क॒वयो॑
मनी॒षा ॥४॥
વિગતવાર સમજૂતી
ü સૃષ્ટિના પ્રારંભમાં સૌથી પહેલા શૂન્યતામાં જ્યારે હિલચાલ
શરૂ થઈ, તે 'એક' તત્ત્વમાં 'કામ' એટલે કે સૃષ્ટિ સર્જવાની ઈચ્છાશક્તિ જન્મી. આ કોઈ ભૌતિક
કામના નથી,પરંતુ શૂન્યમાંથી કંઈક નવું સર્જવાનો પ્રથમ સંકલ્પ છે.
ü
કોઈ સર્જન
થવાનું પ્રથમ બીજ “ઇચ્છા શક્તિ ” હતી.આ કામ માત્ર સામાન્ય ઈચ્છા નહીં, પણ અસ્તિત્વમાં આવવાની પ્રાથમિક ચેતના અથવા ઉદ્દેશ્ય તરીકે
સમજાય છે. આ ઈચ્છા તે પરમ તત્ત્વના મનનું પ્રથમ બીજ હતું. જેવી રીતે
બીજમાંથી વૃક્ષ બને છે,
તેમ આ પ્રથમ 'સંકલ્પ-બીજ' માંથી જ સમગ્ર બ્રહ્માંડનું વિસ્તરણ થયું.
ü
જે અત્યારે
અસ્તિત્વમાં છે (સત) તેનો સંબંધ હજુ જે અસ્તિત્વમાં નથી આવ્યું (અસત) તેની સાથે
ક્યાં છે?
આ ગૂઢ રહસ્યને ઋષિઓએ ઉકેલ્યું છે. તેમણે જોયું કે 'સત' (અસ્તિત્વનું)
નું મૂળ 'અસત'(અપ્રગટ શક્તિ)માં જ રહેલું છે.
ü
ક્રાંતદ્રષ્ટા
ઋષિઓએ (કવિઓએ) પોતાના હૃદયમાં ઊંડા ઉતરીને, પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને મનીષા (ચિંતન) દ્વારા એ શોધી કાઢ્યું કે અપ્રગટ
(અસત)માંથી જ પ્રગટ (સત)ને બાંધનારો તંતુ એટલે કે 'કામ'
(સંકલ્પ) છે.
સૃષ્ટિના સર્જનના પ્રારંભમાં તે પરમ તત્ત્વમાં સૌપ્રથમ 'કામ' એટલે કે સૃષ્ટિ રચવાનો સંકલ્પ જાગ્યો, જે તેના મનનું પ્રથમ બીજ હતું; આ ઈચ્છાશક્તિ જ એ કડી હતી જેણે અવ્યક્ત (અસત) ને વ્યક્ત (સત) સાથે જોડ્યું. ક્રાંતદ્રષ્ટા મનીષીઓએ પોતાના હૃદયમાં ઊંડા ઉતરીને અને પોતાની વિવેકબુદ્ધિ દ્વારા એ સત્ય શોધી કાઢ્યું કે દ્રશ્ય જગતનું મૂળ તે અદ્રશ્ય પરમ તત્ત્વના પ્રથમ સંકલ્પમાં જ છુપાયેલું છે.
ति॒र॒श्चीनो॒ वित॑तो र॒श्मिरे॑षाम॒धः स्वि॑दा॒सी३दु॒परि॑
स्विदासी३त् ।
रे॒तो॒धा आ॑सन्महि॒मान॑ आसन्त्स्व॒धा अ॒वस्ता॒त्प्रय॑तिः
प॒रस्ता॑त् ॥५॥
વિગતવાર સમજૂતી :-
ü જેમ સૂર્યનું કિરણ નીકળતા જ બધે ફેલાઈ જાય છે,
તેમ સૃષ્ટિ રચવાનો એ સંકલ્પ-રૂપી કિરણ અત્યંત વેગથી ચોમેર (
ત્રાંસો,
ઊંચો અને નીચો) ફેલાઈ ગયો. તે એટલી ઝડપથી ફેલાયો કે એ નક્કી
કરવું મુશ્કેલ હતું કે તે પહેલા ઉપર ગયો કે નીચે. આમ શરૂઆતમાં એક ઊર્જા ફેલાઈ અને પછી દિશા અને રચના વિકસવા લાગી બ્રહ્માંડના
અનંત વિસ્તરણની શરૂઆત થઈ.
ü ૧. રેતોધા (Seed Bearers): બીજ સ્થાપિત કરનારી શક્તિઓ તથા તત્ત્વો પ્રગટ થયા,
જેને આપણે સર્જનના બીજ તરીકે સમજીએ, જેને આપણે 'પ્રેરક બળ' કે 'પુરુષ તત્ત્વ'
કહી શકીએ.
ü ૨. મહિમાન (Magnitudes): એટલે કે 'મહાન સામર્થ્ય' એટલે કે વિશાળ બ્રહ્માંડિય શક્તિઓ અને તત્ત્વો પણ પ્રગટ
થયા,
જે સમગ્ર વિશ્વના બંધારણ અને વિકાસ માટે જવાબદાર છે,
જે એ બીજને કે બીજ સ્થાપિત કરનારી શક્તિઓ તથા તત્ત્વોને ઝીલીને
તેનો વિસ્તાર કરે છે,
ü સર્જનની આ પ્રક્રિયામાં બે પ્રકારની શક્તિઓ પ્રગટ થઈ:
સ્વધા અને પ્રયતિ
સ્વધા અને પ્રયતિ (Nature and
Effort): આ મંત્ર બે
મૂળભૂત શક્તિઓ —“સ્વધા” અને “પ્રયતિ”, નું વર્ણન કરે છે જેમાં સ્વધા નીચેના સ્તરે કાર્યરત આંતરિક,
સ્થિર અને સ્વાભાવિક શક્તિ છે,
જે સૃષ્ટિના પાયામાં છે, જે પોષણ, આધાર અને સ્થિરતા આપે છે, જ્યારે પ્રયતિ ઉપરના સ્તરે ગતિશીલ,
વિકાસશીલ અને આગળ વધતી ઊર્જા તરીકે કાર્ય કરે છે,
જે બ્રહ્માંડના વિસ્તરણ અને પરિવર્તન માટે જવાબદાર છે.
જ્યારે સૃષ્ટિના સર્જનનો સંકલ્પ જાગ્યો, ત્યારે તે શક્તિનો કિરણ પ્રકાશની જેમ ક્ષણભરમાં આડો, ત્રાંસો, ઉપર અને નીચે એમ તમામ દિશાઓમાં ફેલાઈ ગયો, જેનાથી સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત થઈ ગયું. આ પ્રક્રિયામાં બીજ ધારણ કરનારી પ્રેરક શક્તિઓ અને તેનો વિસ્તાર કરનારી મહાન સામર્થ્યવાન શક્તિઓ પ્રગટ થઈ; જેમાં 'સ્વધા' એટલે કે ગ્રહણ કરનારી પ્રકૃતિ નીચેના સ્તરે રહી અને 'પ્રયતિ' એટલે કે સક્રિય ચેતનાનો પ્રયત્ન ઉપરના સ્તરે રહ્યો, જે સૂચવે છે કે જડ પ્રકૃતિ અને ચેતન પુરુષના સંયોગથી જ સૃષ્ટિનું ગતિશીલ માળખું તૈયાર થયું.
को अ॒द्धा वे॑द॒ क इ॒ह प्र वो॑च॒त्कुत॒ आजा॑ता॒ कुत॑ इ॒यं
विसृ॑ष्टिः ।
अ॒र्वाग्दे॒वा अ॒स्य वि॒सर्ज॑ने॒नाऽथा॒ को वे॑द॒ यत॑
आब॒भूव॑ ॥६॥
વિગતવાર સમજૂતી :-
ü
ઋષિ પ્રશ્ન
કરે છે કે આ જગતમાં એવો કોણ છે જે ખાતરીપૂર્વક કહી શકે કે આ બ્રહ્માંડ ક્યારે, કેવી રીતે અને શા માટે બન્યું ? સર્જનની પ્રક્રિયા એટલી રહસ્યમય છે કે તેનું ચોક્કસ વર્ણન
કરવું કોઈપણ મનુષ્ય માટે અશક્ય જેવું છે.સર્જનહાર એક જ છે કે વધુ અને તે કોણ છે ?
ü
આ 'વિસૃષ્ટિ' (વિવિધતાભરી
સૃષ્ટિ) કયા મૂળ તત્ત્વમાંથી ઉત્પન્ન થઈ? શું તે શૂન્યમાંથી આવી કે કોઈ પરમ ચેતનામાંથી? આ પ્રશ્ન દ્વારા ઋષિ બ્રહ્માંડના ઉદ્ભવ (Origin of Universe) ના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે.
ü
સામાન્ય રીતે
આપણે માનીએ છીએ કે દેવોએ સૃષ્ટિ બનાવી છે, પરંતુ ઋષિ અહીં એક ક્રાંતિકારી વિચાર આપે છે: "દેવો તો સૃષ્ટિ બન્યા
પછી આવ્યા છે." (અર્વાક્ દેવા...). જો દેવો પોતે જ સર્જનની પ્રક્રિયા પછી
અસ્તિત્વમાં આવ્યા હોય,
તો તેઓ સર્જનના સાક્ષી કેવી રીતે હોઈ શકે? તેઓ પણ સર્જન પૂર્વેની સ્થિતિ વિશે ચોક્કસ કહી શકે નહીં.
ü જ્યારે દેવો અને મનુષ્યો બંને સૃષ્ટિના સર્જન પછી આવ્યા છે
કે ઉત્પાન થાયા છે ,
ત્યારે એ સવાલ ઊભો થાય છે કે આ અસ્તિત્વનો સાચો જ્ઞાતા કોણ
છે?
આ મંત્ર આપણને એ વિચારવા મજબૂર કરે છે કે સત્ય કદાચ આપણી
બુદ્ધિ અને કલ્પનાથી ઘણું પર છે.
આ મંત્રમાં ઋષિ અત્યંત ગહન પ્રશ્ન ઉઠાવે છે કે આ વિશાળ અને વિવિધતાપૂર્ણ
સૃષ્ટિ ખરેખર ક્યાંથી અને કેવી રીતે પ્રગટ થઈ તે સાચી રીતે કોણ જાણી શકે અને કોણ
તેનું વર્ણન કરી શકે;
કારણ કે દેવો પણ આ સર્જનની પ્રક્રિયા પછી અસ્તિત્વમાં આવ્યા
છે,
તેથી તેઓ પણ સૃષ્ટિના પ્રારંભના સાક્ષી નથી. આમ, જ્યારે સર્જક અને દ્રષ્ટા બંને સર્જન પછીના હોય, ત્યારે આ બ્રહ્માંડના મૂળ ઉદ્ભવનું રહસ્ય ખરેખર કોણ જાણતું હશે
તે એક અનુત્તર પ્રશ્ન બની રહે છે.
નાસદીય સૂક્તનો આ સાતમો અને અંતિમ મંત્ર ભારતીય તત્વજ્ઞાનની પરાકાષ્ઠા છે. આ મંત્રમાં ઋષિ પરમ જિજ્ઞાસાના એવા શિખર પર પહોંચે છે જ્યાં તેઓ 'ઈશ્વર' કે 'અધ્યક્ષ' પર પણ પ્રશ્ન ઉઠાવવાની હિંમત કરે છે.
इ॒यं विसृ॑ष्टि॒र्यत॑ आब॒भूव॒ यदि॑ वा द॒धे यदि॑ वा॒ न ।
यो अ॒स्याध्य॑क्षः पर॒मे व्यो॑म॒न्त्सो अ॒ङ्ग वे॑द॒ यदि॑
वा॒ न वेद॑ ॥७॥
વિગતવાર સમજૂતી :-
ü
ઋષિ અહીં એ
પ્રશ્ન પૂછે છે કે આ સૃષ્ટિ કોઈએ પ્રયત્નપૂર્વક બનાવી છે (દધે) કે પછી તે પોતાની
મેળે જ પ્રગટ થઈ છે?
આ પ્રશ્ન દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન છે કે શું સૃષ્ટિ પાછળ
કોઈ ચોક્કસ આયોજન (Design)
છે કે તે પ્રકૃતિનો સહજ સ્વભાવ છે.
ü
આપણે માનીએ
છીએ કે આ બ્રહ્માંડનો કોઈ 'અધ્યક્ષ' (Supervising Power) છે,
જે સર્વોચ્ચ આકાશમાં બિરાજમાન છે. ઋષિ એ સર્વોચ્ચ સત્તાનો
સ્વીકાર તો કરે છે,
પરંતુ તરત જ એક ગહન પ્રશ્ન પણ ઉઠાવે છે.
ü
આ મંત્રની
સૌથી ચોંકાવનારી પંક્તિ છે—"યદિ વા ન વેદ". ઋષિ કહે છે
કે જે આ સૃષ્ટિનો માલિક છે,
તે કદાચ જાણે છે કે આ બધું ક્યાંથી આવ્યું, પણ એવી પણ શક્યતા છે કે તે પણ ન જાણતો હોય!
આનો ગૂઢ અર્થ એ છે કે સૃષ્ટિનું રહસ્ય એટલું અનંત છે કે તે
જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યાઓથી પર છે. જો તે 'એક'
તત્ત્વ પોતે જ આ સૃષ્ટિ બની ગયું હોય, તો જાણનાર અને જાણવાની વસ્તુ વચ્ચેનો ભેદ જ મટી જાય છે.
ü
આ મંત્ર
મનુષ્યને અહંકાર છોડવાનું શીખવે છે. જ્યારે બ્રહ્માંડનો અધ્યક્ષ પણ કદાચ આ રહસ્ય ન
જાણતો હોય,
તો સામાન્ય મનુષ્યની બુદ્ધિ તો કેટલી ક્ષુદ્ર ગણાય! આ પરમ
શૂન્યતા અને અજ્ઞેયવાદ (Agnosticism)
ની સ્થિતિ છે.
નાસદીય સૂક્તના આ અંતિમ મંત્રમાં ઋષિ કહે છે કે આ
વિવિધતાસભર સૃષ્ટિ જેમાંથી ઉત્પન્ન થઈ છે, તેણે આ જગતને ધારણ કર્યું છે કે નહીં, તે એક ગહન રહસ્ય છે;
આ બ્રહ્માંડનો જે સ્વામી પરમ આકાશમાં બિરાજમાન છે, તે કદાચ આ સર્જનનું રહસ્ય જાણતો હશે અથવા તો કદાચ તે પણ આ
વિશે અજાણ હશે. આ પંક્તિ દ્વારા ઋષિ એ સૂચવે છે કે સૃષ્ટિનું મૂળ અને તેનું
અસ્તિત્વ તર્ક,
બુદ્ધિ અને જ્ઞાનની તમામ સીમાઓથી પર છે, જ્યાં માત્ર નિરુત્તર આશ્ચર્ય જ બચે છે.
નાસદીય સ્ત્રોત
नास॑दासी॒न्नो सदा॑सीत्त॒दानीं॒ नासी॒द्रजो॒ नो व्यो॑मा प॒रो यत् ।
किमाव॑रीव॒: कुह॒ कस्य॒ शर्म॒न्नम्भ॒: किमा॑सी॒द्गह॑नं गभी॒रम् ॥१॥
મંત્ર ૧:
ત્યારે (સૃષ્ટિ પહેલાં) ન અસત હતું, ન સત હતું;
ન પૃથ્વી હતી, ન પેલે પારનું આકાશ હતું. ત્યારે કોણે કોને ઢાંક્યું હતું? કોના આશ્રયમાં હતું? અને શું ત્યાં ગહન અને અગાધ જળ હતું?
न मृ॒त्युरा॑सीद॒मृतं॒ न तर्हि॒ न रात्र्या॒ अह्न॑ आसीत्प्रके॒तः ।
आनी॑दवा॒तं स्व॒धया॒ तदेकं॒ तस्मा॑द्धा॒न्यन्न प॒रः किं च॒नास॑ ॥२॥
મંત્ર ૨:
ત્યારે ન મૃત્યુ હતું,
ન અમરત્વ હતું; રાત અને દિવસ વચ્ચેનો કોઈ ભેદ નહોતો. તે 'એક'
તત્ત્વ (પરમ બ્રહ્મ) વાયુ વગર પોતાની જ શક્તિથી શ્વાસ લઈ
રહ્યું હતું. તે સિવાય બીજું કંઈ જ અસ્તિત્વમાં નહોતું.
तम आसीत्तमसा गूढमग्रेऽप्रकेतं
सलिलं सर्वमा इदं।
तुच्छ्येनाभ्वपिहितं
यदासीत्तपसस्तन्महिना जायतैकं॥३॥
મંત્ર ૩:
શરૂઆતમાં અંધકાર અંધકારથી ઢંકાયેલો હતો, બધું જ ઓળખ વગરના એકરસ પ્રવાહી જેવું હતું. તે મહાન તત્ત્વ શૂન્યતાથી
ઘેરાયેલું હતું,
જે પોતાની તપની શક્તિથી પ્રગટ થયું.
काम॒स्तदग्रे॒ सम॑वर्त॒ताधि॒ मन॑सो॒ रेत॑: प्रथ॒मं यदासी॑त् ।
स॒तो बन्धु॒मस॑ति॒ निर॑विन्दन्हृ॒दि प्र॒तीष्या॑ क॒वयो॑ मनी॒षा ॥४॥
મંત્ર ૪:
તેમાં સૌથી પહેલા 'કામ'
એટલે કે સૃષ્ટિ રચવાનો સંકલ્પ જાગ્યો, જે મનનું પ્રથમ બીજ હતું. જ્ઞાની મનીષીઓએ પોતાના હૃદયમાં
શોધી કાઢ્યું કે અસત (અવ્યક્ત) અને સત (વ્યક્ત) વચ્ચેનો સંબંધ આ સંકલ્પમાં જ રહેલો
છે.
ति॒र॒श्चीनो॒ वित॑तो र॒श्मिरे॑षाम॒धः स्वि॑दा॒सी३दु॒परि॑ स्विदासी३त् ।
रे॒तो॒धा आ॑सन्महि॒मान॑ आसन्त्स्व॒धा अ॒वस्ता॒त्प्रय॑तिः प॒रस्ता॑त् ॥५॥
મંત્ર ૫:
તેનો (સૃષ્ટિનો) કિરણ ત્રાંસો, ઊંચો અને નીચો—એમ બધે ફેલાઈ ગયો. ત્યારે બીજ સ્થાપિત કરનારી અને વિસ્તાર
કરનારી શક્તિઓ પ્રગટ થઈ;
પ્રકૃતિ નીચે રહી અને સક્રિય ચેતના (પુરુષ) ઉપર રહ્યો.
को अ॒द्धा वे॑द॒ क इ॒ह प्र वो॑च॒त्कुत॒ आजा॑ता॒ कुत॑ इ॒यं विसृ॑ष्टिः ।
अ॒र्वाग्दे॒वा अ॒स्य वि॒सर्ज॑ने॒नाऽथा॒ को वे॑द॒ यत॑ आब॒भूव॑ ॥६॥
મંત્ર ૬:
આ સૃષ્ટિ ક્યાંથી આવી અને કેવી રીતે બની તે ખરેખર કોણ જાણે છે? કોણ તેનું વર્ણન કરી શકે? દેવો પણ આ સર્જન પછી આવ્યા છે, તો પછી આ બધું ક્યાંથી આવ્યું તે કોણ જાણી શકે?
इ॒यं विसृ॑ष्टि॒र्यत॑ आब॒भूव॒ यदि॑ वा द॒धे यदि॑ वा॒ न ।
यो अ॒स्याध्य॑क्षः पर॒मे व्यो॑म॒न्त्सो अ॒ङ्ग वे॑द॒ यदि॑ वा॒ न वेद॑ ॥७॥
મંત્ર ૭:
આ વિવિધતાપૂર્ણ સૃષ્ટિ જેમાંથી પ્રગટ થઈ છે, તેણે આને ધારણ કરી છે કે નહીં (તેણે આ બનાવી છે કે તે આપમેળે બની છે), તે તો પરમ આકાશમાં રહેલો આ સૃષ્ટિનો અધ્યક્ષ જ જાણી શકે; અથવા કદાચ તે પણ નહીં જાણતો હોય!
|| હર હર મહાદેવ ||
નમ્ર નિવેદન
હું સંસ્કૃતનો પ્રકાંડ પંડિત નથી કે ન તો મને આ ભાષાનું ઊંડું જ્ઞાન છે. મેં
વિશ્વના આ સૌથી જટિલ સૂક્તને સરળ શૈલીમાં રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.
નાસદીય સૂક્ત એ અત્યંત ગહન અને અર્થસભર સંસ્કૃત શબ્દોનો સંગ્રહ છે જેના અનેક અર્થો
હોઈ શકે છે,
તેથી આમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને ઉદાર ભાવે ક્ષમા
કરશો. હું ઈશ્વરને પણ મારી આ અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા પ્રાર્થું છું.
Comments
Post a Comment